Shubman Gill: T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત સાથે જ ક્રિકેટ જગતમાં સૌથી મોટી ચર્ચા સ્ટાર ઓપનર શુભમન ગિલની બાદબાકીને લઈને થઈ રહી છે. પસંદગી સમિતિએ ગિલને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન આપ્યું નથી. આ અંગે હવે ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે મૌન તોડ્યું છે અને ગિલને ટીમમાંથી પડતો મૂકવા પાછળનું સ્પષ્ટ કારણ જણાવ્યું છે.
ખરાબ ફોર્મ બન્યું કારણ
ભારતીય ટીમનો યુવા બેટ્સમેન શુભમન ગિલ છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ઈજાના કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની પાંચમી T20 મેચ પણ રમી શક્યો ન હતો. તેની ગેરહાજરીમાં સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી હતી. સેમસને અભિષેક શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરી ટીમ માટે પોતાનું મહત્ત્વ સાબિત કરી દીધું હતું. આ સ્થિતિને જોતા પસંદગીકારોએ ગિલને માત્ર T20 વર્લ્ડ કપ જ નહીં, પરંતુ ન્યુઝીલેન્ડ સામે યોજાનારી 5 મેચની T20 સીરીઝમાંથી પણ બહાર રાખવાનો નિર્ણય લીધો છે.
અજીત અગરકરે શું કહ્યું?
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયા સાથે વાત કરતા ચીફ સિલેક્ટર અજીત અગરકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, 'શુભમન ગિલ હાલમાં અપેક્ષા મુજબ રન બનાવી રહ્યો નથી.' તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગત વર્લ્ડ કપ દરમિયાન પણ તે ટીમનો હિસ્સો નહોતો. આમ, વર્તમાન ફોર્મને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ કડક નિર્ણય લીધો છે.
શુભમન ગિલનું T20I કરિયર એક નજરે
શુભમન ગિલના T20 આંતરરાષ્ટ્રીય કરિયર પર નજર કરીએ તો, તેણે અત્યાર સુધીમાં 36 મેચો રમી છે. જેમાં 36 ઈનિંગ્સમાં તેણે 28.03ની સરેરાશથી કુલ 869 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 138.59 રહ્યો છે. T20I ફોર્મેટમાં ગિલના નામે 1 સદી અને 3 અર્ધસદી છે, જેમાં 126* રન તેનો સર્વોચ્ચ સ્કોર છે. તેણે પોતાની ઈનિંગ્સ દરમિયાન કુલ 98 ચોગ્ગા અને 26 છગ્ગા ફટકાર્યા છે.
