India Playing XI T20 WC Final: ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ મેચ આજે રવિવાર, 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ હાઈ-વોલ્ટેજ મુકાબલા પહેલા ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ ઇલેવનમાં મોટા ફેરફારો કરવાનું સૂચન કર્યું છે. ગાવસ્કરના મતે, જો ભારતને ન્યુઝીલેન્ડ સામે વિજય મેળવવો હોય, તો ખરાબ ફોર્મમાં ચાલી રહેલા કેટલાક ખેલાડીઓને પડતા મૂકી રિંકુ સિંહ અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓને તક આપવી જોઈએ.
અભિષેક શર્માના ફોર્મ પર ઉઠ્યા સવાલ
સુનીલ ગાવસ્કરે ખાસ કરીને ઓપનર અભિષેક શર્માના પ્રદર્શન પર ચિંતા વ્યક્ત કરી છે. ICC T20 રેન્કિંગમાં નંબર વન હોવા છતાં, અભિષેક આ ટૂર્નામેન્ટમાં સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો છે. સાત ઇનિંગ્સમાં તેણે માત્ર 89 રન બનાવ્યા છે, જેમાં તેની સરેરાશ 12.71 રહી છે. તે સતત ત્રણ ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થયો છે અને સ્પિનરો સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે.
સુનીલ ગાવસ્કરે સૂચન કરતાં કહ્યું કે, 'અભિષેક પોતાની ભૂલોમાંથી શીખતો નથી. ફાઇનલમાં ઇશાન કિશન અને સંજુ સેમસન પાસે ઓપનિંગ કરાવવું જોઈએ અને રિંકુ સિંહને મિડલ ઓર્ડરમાં સામેલ કરવો જોઈએ.'
બોલિંગ યુનિટમાં 'ચાઈનામેન'ની એન્ટ્રીની માંગ
સ્પિન બોલિંગમાં વરુણ ચક્રવર્તીનું મોંઘું સાબિત થવું ભારત માટે ચિંતાનો વિષય છે. સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડના જેકબ બેથેલે વરુણના 13 બોલમાં 42 રન ફટકાર્યા હતા. ગાવસ્કરે સૂચવ્યું છે કે વરુણની જગ્યાએ કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવું જોઈએ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મોટી બાઉન્ડ્રીઝ પર કુલદીપની બેટ્સમેનોને છેતરવાની ક્ષમતા ભારતને નિર્ણાયક વિકેટો અપાવી શકે છે.
ગાવસ્કરની પસંદગીની 'ફાઈનલ-11'
સંજુ સેમસન (wk), ઇશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (C), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, શિવમ દુબે, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.
