SRH vs RCB, Virat Kohli: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાયેલી મેચમાં રનનો વરસાદ જોવા મળ્યો હતો. આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ભલે આરસીબીના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હોય, પરંતુ તેણે ઓપનિંગમાં આવતાની સાથે જ એક એવો ઈતિહાસ રચી દીધો છે જે અગાઉ ક્રિકેટ જગતમાં કોઈ કરી શક્યું નથી. કોહલીએ માત્ર 15 રન ઓલઆઉટ થઈને પણ ટી20 ફોર્મેટમાં વિશ્વનો સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
હૈદરાબાદનો વિશાળ સ્કોર અને કિશનની ધમાકેદાર ફિફ્ટી
આ રોમાંચક મેચમાં પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે સ્કોર બોર્ડ પર 255 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. SRH તરફથી ઓપનર અભિષેક શર્મા, ઈશાન કિશન અને હેનરિક ક્લાસેને શાનદાર અર્ધસદી ફટકારી હતી. નોંધનીય છે કે, ઈશાન કિશને આઈપીએલમાં આરસીબી સામે સતત ચોથી અર્ધસદી ફટકારવાનું કારનામું કર્યું હતું.
વિરાટ કોહલી-વેંકટેશ અય્યરની જોડીએ રચ્યો ઈતિહાસ
256 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બેંગલુરુની ટીમ તરફથી વિરાટ કોહલી અને વેંકટેશ અય્યર ઓપનિંગ કરવા આવ્યા હતા. આ બંને બેટ્સમેનોએ આરસીબીને તોફાની શરૂઆત અપાવી હતી અને માત્ર 4.3 ઓવરમાં જ 60 રનની વિસ્ફોટક ઓપનિંગ પાર્ટનરશિપ કરી લીધી હતી. આ અર્ધસદીની ભાગીદારી નોંધાતાની સાથે જ વિરાટ કોહલીના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાઈ ગયો હતો.
શું છે આ નવો વર્લ્ડ રેકોર્ડ?
વિરાટ કોહલી હવે મેન્સ ટી20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વખત 50 કે તેથી વધુ રનની ભાગીદારી (Partnership)માં સામેલ થનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. કોહલી અત્યાર સુધીમાં કુલ 211 વખત 50+ રનની પાર્ટનરશિપનો હિસ્સો રહ્યો છે. આ મામલે તેણે ઇંગ્લેન્ડના વિસ્ફોટક ઓપનર એલેક્સ હેલ્સના 210 વખતનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
મેન્સ T20માં સૌથી વધુ 50+ રનની ભાગીદારી કરનાર ખેલાડીઓ
| બેટ્સમેનનું નામ | દેશ/ટીમ | કેટલી વખત 50+ ભાગીદારી |
| વિરાટ કોહલી | ભારત / RCB | 211 |
| એલેક્સ હેલ્સ | ઇંગ્લેન્ડ | 210 |
| ડેવિડ વોર્નર | ઓસ્ટ્રેલિયા | 200 |
| બાબર આઝમ | પાકિસ્તાન | 196 |
| ક્રિસ ગેલ | વેસ્ટ ઈન્ડીઝ | 191 |
IPL 2026માં કિંગ કોહલીનું વિરાટ પ્રદર્શન
ચાલુ આઈપીએલ સીઝનમાં વિરાટ કોહલી અદભૂત ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે રમેલી 14 મેચોમાં 50.64ની શાનદાર સરેરાશ અને 163.82ની સ્ટ્રાઈક રેટથી કુલ 557 રન બનાવ્યા છે. જેમાં 4 અર્ધસદી અને 1 આકર્ષક સદીનો સમાવેશ થાય છે.
કોહલીના આ સાતત્યપૂર્ણ પ્રદર્શનના જોરે જ બેંગલુરુની ટીમ પ્લેઓફમાં પોતાની જગ્યા પાકી કરી ચૂકી છે. ભૂતકાળમાં બે વાર ઓરેન્જ કેપ જીતી ચૂકેલો વિરાટ કોહલી આ વર્ષે પણ ઓરેન્જ કેપ મેળવવાની રેસમાં મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે.
