Sourav Ganguly ICC Hall of Fame: ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી માટે તેમનો ૫૪મો જન્મદિવસ અત્યંત યાદગાર અને ગૌરવપૂર્ણ રહ્યો છે. આ વિશેષ અવસરે તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા પ્રતિષ્ઠિત 'ICC હોલ ઓફ ફેમ'માં સામેલ કરવામાં આવ્યા છે.
ગાંગુલીનું ઐતિહાસિક સન્માન
ICC દ્વારા ગાંગુલીને આ સન્માન તેમના ૫૪મા જન્મદિવસના દિવસે જ આપવામાં આવ્યું છે, જેનાથી આ દિવસ તેમના માટે બેવડો ખાસ બની ગયો છે. આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મેળવનાર તેઓ ૧૨મા ભારતીય ક્રિકેટર બન્યા છે. આ સન્માન બદલ આભાર વ્યક્ત કરતા સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, "હું ICC અને તેના ચેરમેન જય શાહનો મને આ હોલ ઓફ ફેમમાં સામેલ કરવા બદલ આભાર માનું છું. આ મારા માટે ખૂબ જ ગર્વ અને સન્માનની વાત છે કે હું આવા ક્રિકેટ દિગ્ગજોની યાદીનો એક ભાગ બન્યો છું". નોંધનીય છે કે આ યાદીમાં અગાઉ બિશન સિંહ બેદી, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, વીનૂ માંકડ, ડાયના એડુલ્જી, વીરેન્દ્ર સેહવાગ, નીતૂ ડેવિડ અને મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજો સામેલ છે.
