લગ્ન તૂટ્યા બાદ પહેલીવાર બોલી Smriti Mandhana, કહ્યું- શૂન્યથી શરૂઆત…

સ્મૃતિ મંધાનાએ કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં તેને એક વાત સૌથી વધુ સમજમાં આવી છે કે તેને ક્રિકેટથી વધુ કોઈ પણ વસ્તુ પસંદ નથી.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 11 Dec 2025 09:28 AM (IST)Updated: Thu, 11 Dec 2025 09:28 AM (IST)
smriti-mandhana-breaks-silence-on-calling-off-wedding-with-palash-muchhal-says-cricket-is-her-true-love

Smriti Mandhana Latest News: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન અને સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ સાથે લગ્ન રદ્દ કર્યા પછી પહેલીવાર મૌન તોડ્યું છે. આ લગ્ન તૂટ્યા બાદ તે પહેલીવાર જાહેરમાં નજરે પડી હતી.

થોડા દિવસો પહેલાં જ સ્મૃતિ મંધાનાએ જાહેર કર્યું હતું કે તેના અને પલાશ મુચ્છલના લગ્નને બંને પરિવારોની સહમતિથી રદ કરી દેવામાં આવી હતી. 7 ડિસેમ્બરના રોજ તેણે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર એક નિવેદન જારી કરીને ચાહકો અને મીડિયા પાસેથી પ્રાઇવેસીની માંગ કરી હતી અને કહ્યું હતું કે તે આ મામલાને અહીં જ પૂરો કરવા માંગે છે.

ક્રિકેટ મારી પહેલી પ્રાથમિકતા
સ્મૃતિ મંધાનાએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં તેને એક વાત સૌથી વધુ સમજમાં આવી છે કે તેને ક્રિકેટથી વધુ કોઈ પણ વસ્તુ પસંદ નથી. તે 'એમેઝોન સંભવ સમિટ'માં કપ્તાન હરમનપ્રીત કૌર સાથે સામેલ થઈ હતી. સમિટમાં તેણે કહ્યું હતું કે તેની પહેલી અને સૌથી મોટી પ્રાથમિકતા ક્રિકેટ છે અને તે ભારતને મોટા ખિતાબ જીતાડવા માટે સંપૂર્ણ રીતે સમર્પિત છે. ડાબોડી મહાન બેટ્સમેન મંધાનાએ 2013માં ભારત તરફથી ડેબ્યુ કર્યું હતું.

ભારતની જર્સી સૌથી મોટી પ્રેરણા
મંધાનાએ વધુમાં કહ્યું કે મને ક્રિકેટથી વધારે કંઈ પસંદ નથી. ઇન્ડિયાની જર્સી પહેરવી એ જ સૌથી મોટી પ્રેરણા છે. તેણે જણાવ્યું કે જ્યારે તમે જર્સી પહેરો છો, ત્યારે તમે તમારી બધી પરેશાનીઓ એક તરફ મૂકી દો છો અને માત્ર આ જ તમને જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

બાળપણનું સપનું થયું સાકાર
સમિટમાં બોલતા મંધાનાએ તેના 2013ના ડેબ્યુથી લઈને ગયા મહિને થયેલી ભારતની વર્લ્ડ કપ જીત સુધીની પોતાની સફર યાદ કરી હતી. સ્મૃતિએ જણાવ્યું હતું કે બાળપણથી જ તેમના મનમાં બેટિંગનો જુસ્સો હતો. તેણે કહ્યું હતું કે બાળપણથી જ મનમાં હતું કે એક દિવસ લોકો મને વર્લ્ડ ચેમ્પિયન કહે. વર્લ્ડ કપ જીતીને તેને લાગ્યું કે ઘણા વર્ષોની મહેનત અને પરેશાનીઓનું ફળ મળ્યું છે.

રુંવાડા ઊભા થઇ ગયા
ભારતીય મહિલા ટીમના ઉપ-કપ્તાને જણાવ્યું હતું કે તેઓ આ જીતની ખૂબ રાહ જોઈ રહ્યા હતા. મેચ પહેલાં તેઓએ તેને પોતાના મગજમાં સાચું થતું જોયું હતું. જ્યારે સ્ક્રીન પર તે ક્ષણ આવી, ત્યારે રુંવાડા ઊભા થઈ ગયા. સ્મૃતિએ જણાવ્યું કે મહિલા વિશ્વ કપના ફાઇનલમાં મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામીને જોઈને ટીમ માટે આ જીત વધુ ખાસ બની હતી. તેમની આંખોમાં આંસુ જોઈને લાગ્યું કે આ જીત સમગ્ર મહિલા ક્રિકેટની જીત હતી.

વર્લ્ડ કપમાંથી મળેલા બે મોટા પાઠ
મંધાનાએ આગળ કહ્યું કે વર્લ્ડ કપએ તેમને બે મોટી વાતો શીખવી. પહેલી વાત એ કે દરેક ઇનિંગ શૂન્યથી શરૂ થાય છે, પછી ભલે તમે છેલ્લી વખત સદી કેમ ન બનાવી હોય. અને બીજી વાત એ કે પોતાના માટે નહીં, પણ ટીમ માટે રમવું જોઈએ.