Syed Mushtaq Ali Trophy: ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) માં વિસ્ફોટક પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. રવિવારે રમાયેલી મેચમાં યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) ની આક્રમક સદીના જોરે મુંબઈએ હરિયાણા સામે 4 વિકેટે રોમાંચક જીત મેળવી. આ ઇનિંગ સાથે યશસ્વીએ માત્ર મુંબઈને જીત જ નથી અપાવી પરંતુ ટીમ ઈન્ડિયામાં પોતાની દાવેદારી પણ મજબૂત કરી છે.
મુંબઈએ 235 રનનો વિશાળ લક્ષ્યાંક ચેઝ કર્યો
અંબીમાં રમાયેલી આ હાઈ-સ્કોરિંગ મેચમાં મુંબઈએ 17.3 ઓવરમાં જ 235 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. યશસ્વી જયસ્વાલે માત્ર 50 બોલમાં 101 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 16 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. તેની આ રમત સામે હરિયાણાના કેપ્ટન અંકિત કુમાર (89 રન) અને નિશાંત સિંધુ (અણનમ 63 રન) ની મહેનત પાણીમાં ગઈ હતી. યશસ્વી ઉપરાંત સરફરાઝ ખાને પણ મુંબઈ માટે આક્રમક બેટિંગ કરતા 25 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 64 રન ફટકાર્યા હતા.
શુભમન ગિલ માટે ખતરાની ઘંટડી?
યશસ્વી જયસ્વાલ છેલ્લા ઘણા સમયથી ભારતની T20 ટીમમાંથી બહાર છે અને ODI માં બેકઅપ ઓપનર તરીકે ટીમ સાથે જોડાયેલો છે. બીજી તરફ, સ્ટાર ઓપનર શુભમન ગિલ હાલ T20 ફોર્મેટમાં સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં જ્યારે ગિલ ગેરહાજર હતો, ત્યારે ત્રીજી ODI માં યશસ્વીને તક મળી હતી અને તેણે ત્યાં પણ સદી ફટકારી હતી. હવે T20 ફોર્મેટમાં પણ તેણે પોતાની ક્ષમતા સાબિત કરતા ગિલ માટે સ્પર્ધા અને ટેન્શન બંને વધારી દીધા છે.
48 બોલમાં સદી ફટકારી
મુંબઈની ઇનિંગની શરૂઆત ધમાકેદાર રહી હતી. યશસ્વી અને અજિંક્ય રહાણેએ માત્ર 3 ઓવરમાં ટીમના સ્કોરને 53 રન સુધી પહોંચાડી દીધો હતો. રહાણે 10 બોલમાં 21 રન બનાવી ચોથી ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ યશસ્વી અને સરફરાઝ ખાને મોરચો સંભાળ્યો અને હરિયાણાના બોલરોની ધોલાઈ કરતા 88 રનની ભાગીદારી નોંધાવી હતી. સરફરાઝના આઉટ થયા બાદ યશસ્વીએ જવાબદારી ઉપાડી લીધી અને માત્ર 48 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી હતી. તે 18 મી ઓવરના પહેલા બોલે આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 228 રન પર પહોંચી ગયો હતો અને જીત નિશ્ચિત થઈ ગઈ હતી.
