IPL 2026: શુભમન ગિલની પલટવારની તૈયારી! નેટ્સમાં પરસેવો પાડતો જોવા મળ્યો ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન; આશિષ નેહરાએ આપ્યું ખાસ માર્ગદર્શન

શુભમન ગિલ હાલમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ભારતીય ટીમનો ભાગ નથી. ખરાબ ફોર્મને કારણે તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Thu, 19 Feb 2026 11:59 AM (IST)Updated: Thu, 19 Feb 2026 12:00 PM (IST)
shubman-gill-starts-preparing-for-ipl-2026-video-goes-viral

Shubman Gill: આઈપીએલ 2026ની સીઝન શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે અત્યારથી જ મેદાનમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં ગુજરાત ટાઇટન્સના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ગિલ નેટ્સમાં પરસેવો પાડતો અને આક્રમક શોટ્સ રમતો જોવા મળી રહ્યો છે.

વર્લ્ડ કપની નિરાશા બાદ આઈપીએલ પર નજર

શુભમન ગિલ હાલમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ભારતીય ટીમનો ભાગ નથી. ખરાબ ફોર્મને કારણે તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. જોકે, ગિલે આ નિરાશાને બાજુ પર મૂકીને આગામી આઈપીએલ માટે કમર કસી છે. ગુજરાત ટાઇટન્સના પ્રી-સીઝન કેમ્પમાં તે ટીમની નવી તાલીમ કીટમાં સજ્જ જોવા મળ્યો હતો. નેટ્સમાં તેણે કવર ડ્રાઈવ, પુલ શોટ્સ અને લોફ્ટેડ શોટ્સની આકરી પ્રેક્ટિસ કરી હતી.

કોચ આશિષ નેહરા સાથે ખાસ મંથન

વીડિયોમાં જોવા મળ્યું હતું કે ટીમની પ્રેક્ટિસ દરમિયાન મુખ્ય કોચ આશિષ નેહરા સતત ગિલની બેટિંગ પર નજર રાખી રહ્યા હતા. નેહરાએ ગિલને બેટિંગ ટેકનિક અને આગામી સીઝનની રણનીતિ અંગે મહત્વની ટિપ્સ આપી હતી. પ્રેક્ટિસ સેશન બાદ પણ બંને વચ્ચે લાંબી ચર્ચા થતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, શુભમન ગિલ અને આશિષ નેહરાની જોડીએ અગાઉ ગુજરાત ટાઇટન્સને સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

છેલ્લી સીઝનનું શાનદાર પ્રદર્શન અને પડકાર

IPL 2025માં શુભમન ગિલનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું હતું:

  • તેણે 15 ઇનિંગ્સમાં 50.00ની સરેરાશથી 650 રન બનાવ્યા હતા.
  • તેનો સ્ટ્રાઇક રેટ 155.87 રહ્યો હતો અને તેણે 6 અડધી સદી ફટકારી હતી.
  • જોકે, ટીમ એલિમિનેટરમાં હારી જવાથી ટાઇટલ જીતવાથી વંચિત રહી હતી.

આઈપીએલ 2026માં મજબૂત વાપસીની આશા

ગિલ છેલ્લે રણજી ટ્રોફીમાં પંજાબ તરફથી રમતા જોવા મળ્યો હતો, જ્યાં તેનું ફોર્મ ચિંતાનો વિષય હતું. પરંતુ આઈપીએલમાં ગિલનો રેકોર્ડ હંમેશા શાનદાર રહ્યો છે. 118 આઈપીએલ મેચોમાં તેણે 3866 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 26 અડધી સદીનો સમાવેશ થાય છે. આગામી 26 માર્ચ, 2026થી શરૂ થનારી IPL સીઝનમાં ગુજરાત ટાઇટન્સ ફરી એકવાર ૨૦૨૨ના ઇતિહાસનું પુનરાવર્તન કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ચાહકોને આશા છે કે કેપ્ટન ગિલ પોતાના બેટથી ટીકાકારોને જડબાતોડ જવાબ આપશે.