Shubman Gill Instagram Post: ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક જીત બાદ સોશિયલ મીડિયા પર ઉજવણીના માહોલ વચ્ચે એક મોટો વિવાદ ઉભો થયો છે. સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ દ્વારા શેર કરવામાં આવેલી એક તસવીરમાંથી સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન ગેરહાજર જણાતા ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફેન્સનો આરોપ છે કે આ ફોટોને જાણીજોઈને એડિટ કરીને સેમસનને હટાવવામાં આવ્યો છે.
શું છે સમગ્ર વિવાદ?
ગત 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવી વર્લ્ડ કપ જીત્યો હતો. જીત બાદ શુભમન ગિલે ઇન્સ્ટાગ્રામ પર ટીમની ઉજવણીનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં ખેલાડીઓ ટ્રોફી સાથે જોવા મળે છે. જોકે, નેટીઝન્સે તરત જ નોંધ્યું કે આ ફ્રેમમાં સંજુ સેમસન ક્યાંય દેખાતો નથી, જ્યારે અન્ય કેમેરા એંગલ્સમાં તે ત્યાં જ હાજર હતો.
સોશિયલ મીડિયા પર ફેન્સનો આક્રોશ
આ પોસ્ટ બાદ શુભમન ગિલના કોમેન્ટ સેક્શનમાં પ્રશ્નોનો મારો ચાલ્યો હતો. ફેન્સ ગિલની એડિટિંગ સ્કીલ પર કટાક્ષ કરી રહ્યા છે. એક યૂઝરે કટાક્ષ કરતા લખ્યું, 'તમે સંજુ સેમસનને દૂર કરવા માટે કઈ એપનો ઉપયોગ કર્યો? કામ ખૂબ જ સફાઈથી કર્યું છે.' અન્ય એક યૂઝરે ટિપ્પણી કરી, 'ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર નહીં, પણ તમે તો ફર્સ્ટ-ક્લાસ એડિટર છો.'
ટુર્નામેન્ટમાં સંજુ સેમસનનું પ્રદર્શન
સંજુ સેમસન આ વર્લ્ડ કપમાં ભારત માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થયો હતો. તેણે 5 ઇનિંગ્સમાં 321 રન બનાવ્યા હતા અને તેને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' જાહેર કરવામાં આવ્યો હતો. બીજી તરફ, શુભમન ગિલ, જે હાલમાં વનડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન છે, તેમને T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું નહોતું.
જોકે, આ ફોટો ખરેખર એડિટ કરવામાં આવ્યો છે કે માત્ર એક અલગ કેમેરા એંગલ છે, તે અંગે શુભમન ગિલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તેમ છતાં, સોશિયલ મીડિયા પર 'સંજુ સેમસન' ના સમર્થકો ગિલની આ હરકતથી ભારે નારાજ દેખાઈ રહ્યા છે.
