Shubman Gill Birthday: ભારતીય ક્રિકેટ ટીમના યુવા અને સફળ કેપ્ટન શુભમન ગિલનો આજે જન્મદિવસ છે. 2018 માં પૃથ્વી શોના નેતૃત્વ હેઠળ ભારતે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો ત્યારે મોટાભાગના લોકોનું ધ્યાન પૃથ્વી શો પર હતું. જોકે, સમય જતાં નસીબ બદલાયું અને તે જ અંડર-19 ટીમમાંથી ઉભરીને બહાર આવેલા શુભમન ગિલે ભારતીય ક્રિકેટમાં પોતાનું એક ખાસ વર્ચસ્વ સ્થાપિત કર્યું. આજે ગિલ ટીમ ઇન્ડિયાના સૌથી મહત્વના ખેલાડીઓમાંના એક હોવાની સાથે ભારતીય ક્રિકેટના ‘પોસ્ટર બોય’ બની ચૂક્યા છે.
સ્ટારડમથી લઈને કેપ્ટનશિપ સુધીની સફર
અંડર-19 ક્રિકેટમાંથી ગ્રેજ્યુએટ થઈને ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મેળવ્યા બાદ શુભમન ગિલે પોતાના પ્રદર્શનથી દરેકનું દિલ જીતી લીધું. હાલમાં તેઓ ટેસ્ટ અને વનડે (ODI) બંને ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટનની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે. તેમની આ સફર અને સતત વધતી પ્રખ્યાતિએ તેમને ભારતનો સૌથી લોકપ્રિય ક્રિકેટર બનાવી દીધો છે.
35 થી 40 કરોડની સંપત્તિ અને આલીશાન લાઈફસ્ટાઈલ
જેમ જેમ ક્રિકેટના મેદાન પર ગિલનું કદ વધતું ગયું, તેમ તેમ તેમની સંપત્તિમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુભમન ગિલની કુલ સંપત્તિ આશરે ₹35 કરોડથી ₹40 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે. તેઓ માત્ર BCCI ના કોન્ટ્રાક્ટ અને IPL થી જ નહીં, પરંતુ મોટી-મોટી બ્રાન્ડ્સના એન્ડોર્સમેન્ટ દ્વારા પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે.
વૈભવી ઘર અને લક્ઝરી કારનો કાફલો
ગિલ એક અત્યંત વૈભવી જીવનશૈલી જીવે છે. પંજાબમાં એક ભવ્ય વિલા ઉપરાંત મુંબઈના પોશ વિસ્તાર જુહુમાં તેમનું એક આલીશાન ઘર છે, જેની કિંમત આશરે ₹20 થી ₹25 કરોડ હોવાનું કહેવાય છે. તેમની પાસે મર્સિડીઝ (Mercedes) અને રેન્જ રોવર (Range Rover) જેવી સુપર-લક્ઝરી કારોનો કાફલો છે. તેમજ મોંઘી અને લક્ઝરી ઘડિયાળો તેમજ હાઈ-એન્ડ ડિઝાઈનર આઉટફિટ્સના શોખીન ગિલ આજે ભારતના સૌથી સ્ટાઇલિશ ક્રિકેટરોની યાદીમાં મોખરે છે.
