IND vs ENG T20, Captain Shreyas Iyer: ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાયેલી બીજી T20 મેચમાં પણ ભારતને 4 વિકેટે કરારી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે ભારતીય T20 ટીમના નવા કેપ્ટન શ્રેયસ અય્યરના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે, જે કોઈ પણ ખેલાડી પોતાના નામે કરવા માંગશે નહીં.
શ્રેયસ અય્યરનો શરમજનક રેકોર્ડ (Unwanted Record)
ભારતનું નેતૃત્વ કરી રહેલા શ્રેયસ અય્યર T20 આંતરરાષ્ટ્રીય ઈતિહાસમાં એકમાત્ર એવા ભારતીય કેપ્ટન બની ગયા છે, જે પોતાની શરૂઆતની ચારેય મેચમાં એક પણ જીત મેળવી શક્યા નથી. અત્યાર સુધી 12 ખેલાડીએ 3 થી વધુ T20 મેચમાં ભારતની કપ્તાની કરી છે. પરંતુ પોતાના કરિયર શરૂઆતની 4 મેચમાં જીત ન મેળવી શકનાર અય્યર એકમાત્ર કેપ્ટન છે. આ ઉપરાંત, ભારતીય ટીમે છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત સળંગ 3 મેચ ગુમાવી છે, અગાઉ 2021 માં ભારતીય ટીમની આવી સ્થિતિ હતી.
જેકબ બેથેલની શાનદાર ઇનિંગથી ઈંગ્લેન્ડની જીત
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 7 વિકેટના નુકસાને 190 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો, જેમાં ઈશાન કિશને 49 અને અભિષેક શર્માએ 43 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી સેમ કરને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 19 ઓવરમાં જ 6 વિકેટ ગુમાવીને 191 રન બનાવી મેચ જીતી લીધી હતી.
ઈંગ્લેન્ડની આ જીતનો હીરો જેકબ બેથેલ રહ્યો હતો, જેણે માત્ર 46 બોલમાં અણનમ 76 રનની તોફાની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત ટોમ બેન્ટન અને હેરીએ 39-39 રનની મહત્વપૂર્ણ ઈંનિંગ રમી હતી. ભારત માટે અર્શદીપ સિંહે 3 વિકેટ લીધી હતી. જ્યારે હર્ષિત, અક્ષર અને વરુણને 1-1 વિકેટ મળી હતી.
વૈભવ સૂર્યવંશીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ
ટીમ ઇન્ડિયાની હાર વચ્ચે પણ ભારતીય ક્રિકેટ માટે એક ઐતિહાસિક ક્ષણ હતી. માત્ર 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ આંતરરાષ્ટ્રીય T20 માં ભારત માટે ડેબ્યૂ કર્યું. આ સાથે જ તેણે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો સૌથી નાની વયે ડેબ્યુ કરવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ICC ના પૂર્ણકાલીન સભ્ય દેશોના ઈતિહાસમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડીઓની યાદીમાં વૈભવ હવે પાકિસ્તાનના હસન રઝા (14 વર્ષ 277 દિવસ) પછી બીજા નંબરે પહોંચી ગયો છે. એકંદરે ઓવરઓલ પુરુષ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરવાનો વિશ્વ રેકોર્ડ રોમાનિયાના મેરિયન ઘેરાસિમ (14 વર્ષ 16 દિવસ) ના નામે છે.
