ટીમ ઈન્ડિયા સામે વેસ્ટ ઈન્ડિઝની જીતનો અસલી હીરો ધોની? શાઈ હોપે સદી ફટકાર્યા બાદ 'માહી'ની સલાહને આપ્યો શ્રેય

વેસ્ટ ઈન્ડિઝની આ યાદગાર જીતમાં કેપ્ટન શાઈ હોપે અગ્રેસર રહીને નેતૃત્વ કર્યું હતું. હોપે માત્ર 143 બોલમાં 17 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 162 રનની આક્રમક ઈનિંગ રમી હતી. તેમની આ મેચ-વિનિંગ રમત બદલ તેમને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 04 Oct 2026 11:13 AM (IST)Updated: Sun, 04 Oct 2026 11:13 AM (IST)
shai-hope-ms-dhoni-advice-west-indies-record-run-chase-against-india
શાઈ હોપ

India vs West Indies 3rd ODI: ભારત સામે રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝે શાનદાર પ્રદર્શન કરતા ભારતીય ક્રિકેટ ટીમને હારનો સ્વાદ ચાખાડ્યો છે. આ ઐતિહાસિક જીતના મુખ્ય હીરો અને વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે મેચ બાદ એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, ભારત સામે વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતી વખતે તેમને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમ.એસ. ધોનીની એક મહત્ત્વની સલાહ યાદ આવી હતી, જેણે જીત માટે માર્ગદર્શકનું કામ કર્યું હતું.

352 રનનો રેકોર્ડ ચેઝ અને શાઈ હોપની શાનદાર સદી

શનિવારે નવી ચંદીગઢ ખાતે રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 7 વિકેટના નુકસાને 351 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જવાબમાં 352 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 48.2 ઓવરમાં માત્ર 5 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. આ વન-ડે ક્રિકેટ ઈતિહાસમાં વેસ્ટ ઈન્ડિઝનો અત્યાર સુધીનો સૌથી મોટો અને સફળ રન-ચેઝ બની ગયો છે.

વેસ્ટ ઈન્ડિઝની આ યાદગાર જીતમાં કેપ્ટન શાઈ હોપે અગ્રેસર રહીને નેતૃત્વ કર્યું હતું. હોપે માત્ર 143 બોલમાં 17 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 162 રનની આક્રમક ઈનિંગ રમી હતી. તેમની આ મેચ-વિનિંગ રમત બદલ તેમને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

ધોનીની કઈ સલાહે બદલી નાખી ગેમ?

મેચ પૂરી થયા બાદ એવોર્ડ સેરેમની દરમિયાન શાઈ હોપે પોતાની રણનીતિનો સિક્રેટ શેર કર્યો હતો. તેમણે કહ્યું, "મેં ભૂતકાળમાં મહાન ક્રિકેટર એમ.એસ. ધોની સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે મને એક ગુરુમંત્ર આપ્યો હતો કે 'મેદાન પર બેટિંગ કરતી વખતે તમારી પાસે તમે વિચારો છો તેના કરતાં પણ વધુ સમય હોય છે.' આ શબ્દો મારા મગજમાં સેટ થઈ ગયા હતા."

હોપે વધુમાં ઉમેર્યું, "352 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતી વખતે અમે આખી ઈનિંગને નાના નાના લક્ષ્યાંકોમાં વહેંચી દીધી હતી. મને એ પણ ખબર હતી કે સ્લો ઓવર રેટ કે પેનલ્ટીના નિયમોને કારણે ભારતને છેલ્લી ઓવરોમાં વધારાના ફિલ્ડરોને સર્કલની અંદર લાવવાની ફરજ પડશે, તેથી મેં અંત સુધી ધીરજ જાળવી રાખી અને સકારાત્મક રમત રમી."

સિરીઝમાં ટીમના પ્રદર્શનથી કેપ્ટન સંતૃપ્ત

પોતાની ટીમની આ યાદગાર જીત અને સિરીઝના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરતા વિન્ડિઝના કેપ્ટને જણાવ્યું કે, "સમગ્ર સિરીઝ દરમિયાન અમારા બેટ્સમેનોએ ઉત્કૃષ્ટ અને સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું છે. બોલિંગ વિભાગમાં હજુ વધુ સુધારાની જરૂર છે, પરંતુ જીત સાથે શ્રેણી પૂરી કરવી એ ટીમ માટે ખૂબ જ સકારાત્મક બાબત છે."