ICC T20 Ranking Asian Games: એશિયન ગેમ્સ 2026માં વિસ્ફોટક બેટિંગ કરીને કારકિર્દીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર ભારતની આક્રમક ઓપનર શેફાલી વર્માને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના તાજેતરના મહિલા T20 બેટિંગ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. શેફાલી બે સ્થાનની લાંબી છલાંગ લગાવીને 756 રેટિંગ પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને પહોંચી ગઈ છે. સેમીફાઇનલમાં બાંગ્લાદેશ સામે 49 બોલમાં અણનમ 100 રન બનાવતા પહેલા તેણે ક્વાર્ટર ફાઇનલમાં જાપાન સામે અણનમ 40 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
બોલિંગ રેન્કિંગમાં ભારતની શ્રી ચરાની અને દીપ્તિનો દબદબો
તાજેતરના રેન્કિંગ અપડેટ અનુસાર, બોલિંગ ચાર્ટમાં ભારતીય સ્પિનરોનો દબદબો યથાવત છે. ભારતની શ્રી ચરાની 799 રેટિંગ પોઈન્ટ્સ સાથે બોલરોની યાદીમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે, જ્યારે ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા તેનાથી 70 પોઈન્ટ પાછળ રહીને બીજા સ્થાને વિરાજમાન છે.
ક્રાંતિ અને નંદનીએ કારકિર્દીનું શ્રેષ્ઠ રેન્કિંગ મેળવ્યું
એશિયન ગેમ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે ભારતીય બોલર ક્રાંતિ ગૌર 15 ક્રમાંકનો સુધારો કરીને 57મા ક્રમે આવી ગઈ છે, જ્યારે નંદની શર્મા 22 સ્થાનની છલાંગ લગાવીને 72મા ક્રમે પહોંચી ગઈ છે. બંને ખેલાડીઓએ અનુક્રમે 461 અને 432 રેટિંગ પોઈન્ટ્સ સાથે પોતાની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્કોર નોંધાવ્યો છે.
બીજી તરફ, બેટિંગ રેન્કિંગમાં સ્મૃતિ મંધાના એક સ્થાન નીચે સરકીને છઠ્ઠા ક્રમે આવી ગઈ છે, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે પોતાનું 10મું સ્થાન જાળવી રાખ્યું છે.
