India vs South Africa: ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI સિરીઝની છેલ્લી મેચ 9 વિકેટે જીતી લીધી હતી. 25 ઓક્ટોબર, શનિવારના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 237 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે ભારતીય ટીમે સરળતાથી હાંસલ કરી લીધો હતો. ભારતની આ જીતમાં અનુભવી બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. બંને ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી કાંગારૂ બોલરોને હંફાવ્યા હતા.
રોહિત અને કોહલીએ બીજી વિકેટ માટે 168 રનની અતૂટ ભાગીદારી કરીને ભારતનો વિજય આસાન બનાવ્યો હતો. રોહિત શર્મા 121 રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે વિરાટ કોહલીએ 74 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમ ત્રણ મેચની ODI સિરીઝમાં ક્લીન સ્વીપ થવાથી બચી શકી હતી. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ પર્થ અને એડિલેડ ODI જીતીને પહેલેથી જ સિરીઝ પોતાના નામે કરી ચૂકી હતી.
ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝ પૂરી થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માને એક મહિનાનો વિરામ મળશે. આ બંને દિગ્ગજ ખેલાડીઓ હવે સાઉથ આફ્રિકા સામેની આગામી ODI સિરીઝમાં રમતા જોવા મળે તેવી સંભાવના છે.
ROKO ની કારકિર્દી પર સવાલ અને ગિલનો જવાબ
સિડની ODIમાં તેમના પ્રભાવશાળી પ્રદર્શન છતાં, રોહિત શર્મા અને વિરાટ કોહલીની ODI કારકિર્દીને લઈને સવાલો ઊભા થયા છે. બંને ખેલાડીઓ T20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા હોવાથી, ROKO એટલે કે રોહિત અને કોહલી માત્ર ODI ફોર્મેટમાં જ ભારત માટે રમી રહ્યા છે. મેચ બાદ કેપ્ટન શુભમન ગિલને ROKO વિશે પૂછવામાં આવ્યું હતું, કારણ કે ભારત એક મહિના સુધી ODI મેચ રમશે નહીં અને ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ પહેલા લાંબો વિરામ આવશે.
કેપ્ટન ગિલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 'આ અંગે હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી. પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની ODI સિરીઝ (6 ડિસેમ્બર) અને ન્યુઝીલેન્ડ સિરીઝ (11 જાન્યુઆરી, 2026) પહેલા તેમના માટે નોંધપાત્ર અંતર રહેશે. પછી આપણે જોઈશું કે આ બંને અનુભવી ખેલાડીઓને કેવી રીતે ટચમાં રાખવા. કદાચ પછી નિર્ણય લેવામાં આવશે.'
ROKO ની આગામી મેચની સંભવિત તારીખ
હવે રોહિત શર્મા અને વિરાટ કોહલી 30 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકા સામેની ODI સિરીઝમાં ભારત માટે રમશે તેવી અપેક્ષા છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 14 નવેમ્બરથી બે મેચની ટેસ્ટ સિરીઝનું આયોજન છે, ત્યારબાદ ODI સિરીઝ યોજાશે.
ODI સિરીઝ 30 નવેમ્બરે રાંચીમાં શરૂ થશે, ત્યારબાદ બીજી મેચ 3 ડિસેમ્બરે રાયપુરમાં અને અંતિમ ODI 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં યોજાશે. આનો અર્થ એ છે કે કોહલી અને રોહિત હવે ભારત માટે તેમની આગામી મેચ 30 નવેમ્બરે રમી શકે છે.
ત્યારબાદ ભારતીય ટીમ આવતા વર્ષે 11 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ODI સિરીઝ રમશે. આ બધા વચ્ચે, સ્થાનિક ODI ટુર્નામેન્ટ (વિજય હજારે ટ્રોફી) 24 ડિસેમ્બરથી શરૂ થશે, જેમાં રોહિત અને કોહલી પોતાની લય જાળવી રાખવા માટે પોતાની સ્થાનિક ટીમો માટે કેટલીક મેચ રમે તેવી શક્યતા છે.
ભારત vs દક્ષિણ આફ્રિકાનો કાર્યક્રમ
પ્રથમ ટેસ્ટ: 14 થી 18 નવેમ્બર, કોલકાતા
બીજી ટેસ્ટ: 22 થી 26 નવેમ્બર, ગુવાહાટી
પ્રથમ વનડે: 30 નવેમ્બર, રાંચી
બીજી વનડે: 3 ડિસેમ્બર, રાયપુર
ત્રીજી વનડે: 6 ડિસેમ્બર, વિશાખાપટ્ટનમ
પ્રથમ ટી20: 9 ડિસેમ્બર, કટક
બીજી ટી20: 11 ડિસેમ્બર, મુલ્લાનપુર
ત્રીજી ટી20: 14 ડિસેમ્બર, ધર્મશાલા
ચોથી ટી20: 17 ડિસેમ્બર, લખનૌ
પાંચમી ટી20: 19 ડિસેમ્બર, અમદાવાદ
ભારત vs ન્યુઝીલેન્ડનો કાર્યક્રમ
11 જાન્યુઆરી - પ્રથમ વનડે, વડોદરા
14 જાન્યુઆરી - બીજી વનડે, રાજકોટ
18 જાન્યુઆરી - ત્રીજી વનડે, ઇન્દોર
21 જાન્યુઆરી - પ્રથમ ટી20, નાગપુર
23 જાન્યુઆરી - બીજી ટી20, રાયપુર
25 જાન્યુઆરી - ત્રીજી ટી20, ગુવાહાટી
28 જાન્યુઆરી - ચોથી ટી20, વિશાખાપટ્ટનમ
31 જાન્યુઆરી - પાંચમી T20, તિરુવનંતપુરમ

