નિવૃત્તિની અફવાઓ પર રોહિત શર્માએ મૌન તોડ્યું, 2027 વર્લ્ડ કપ રમવા અંગે કરી સ્પષ્ટતા; વાંચો શું કહ્યું...

અનેક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, રોહિત લોર્ડ્સ વનડે મેચ બાદ સંન્યાસ લઈ લેશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 25 Oct 2026 09:17 PM (IST)Updated: Sun, 25 Oct 2026 09:17 PM (IST)
rohit-sharma-on-retirement-rumors-and-2027-odi-world-cup-statement

Rohit Sharma Retirement Rumors: ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માએ પોતાના સંન્યાસ અંગે ચાલતી તમામ અફવાઓ પર પહેલીવાર ખુલ્લીને વાત કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી રોહિત શર્માના નિવૃત્ત થવા અંગે ક્રિકેટ જગતમાં અનેક અટકળો વહેતી થઈ હતી, જેને રોહિતે સત્તાવાર રીતે માત્ર અફવા ગણાવીને ફગાવી દીધી છે.

આ વર્ષે ભારતીય ટીમના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન અનેક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો કે, રોહિત લોર્ડ્સ વનડે મેચ બાદ સંન્યાસ લઈ લેશે. જોકે, રોહિતે તે મેચમાં શાનદાર સદી ફટકારીને તમામ આલોચકોને રોકડિયો જવાબ આપ્યો હતો. આ અગાઉ BCCI સચિવ દેવજીત સૈકિયાએ પણ રોહિતની નિવૃત્તિના સમાચારને પાયાવિહોણા ગણાવ્યા હતા. હવે ખુદ રોહિતે આ અંગે સ્પષ્ટતા કરી દેતાં 2027 વનડે વર્લ્ડ કપ અંગેનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે.

રોહિત શર્માએ 'ફેમિલી હાઉસ વિથ રોહિત શર્મા' નામના શો દરમિયાન પોતાની નિવૃત્તિ અંગે મૌન તોડ્યું હતું. આ શોમાં તેની સાથે બોલીવુડ કલાકારો ચંકી પાંડે અને કરિશ્મા કપૂર પણ મહેમાન તરીકે હાજર હતા. કાર્યક્રમ દરમિયાન જ્યારે ત્રણેય સ્ટાર્સ ફેન્સના સવાલોના જવાબ આપી રહ્યા હતા, ત્યારે તેમને પોતાના વિશે સાંભળેલી સૌથી ચર્ચિત અફવા શેર કરવાનું કહેવામાં આવ્યું હતું.

આ દરમિયાન કરિશ્મા કપૂરે પોતાની ડાયેટ અંગેની અને ચંકી પાંડેએ પોતાની કંજૂસી અંગેની અફવાઓ પર વાત કરી હતી, જ્યારે રોહિત શર્માએ પોતાની નિવૃત્તિના અહેવાલ પર ચર્ચા કરી હતી. રોહિતે જણાવ્યું હતું કે, "મેં મારા વિશે જે અફવા સાંભળી હતી, જે મેં પહેલા પણ સાંભળી હતી અને હજુ પણ સાંભળી રહ્યો છું, તે એ છે કે હું નિવૃત્ત થઈ રહ્યો છું. મને આશા છે કે હવે અમારા ત્રણેય વિશે ચાલી રહેલી આ તમામ અફવાઓનો અંત આવી ગયો હશે."

વનડે ફોર્મેટમાં રોહિત શર્માનું પ્રદર્શન સતત ઉત્કૃષ્ટ રહ્યું છે. છેલ્લી 10 વનડે ઈનિંગ્સમાં રોહિતે 55.40 એવરેજથી કુલ 554 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 2 અર્ધસદી સામેલ છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 110.50 રહ્યો છે. નિવૃત્તિની અફવાઓ પર સંપૂર્ણ વિરામ મુકાઈ જવાથી આગામી વનડે વર્લ્ડ કપ 2027 માટે રોહિત શર્માની ઉપસ્થિતિ અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. આ વિશ્વ કપનું આયોજન દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં થવાનું છે, જ્યાં ફેન્સ રોહિત શર્માને ભારતીય ટીમમાં રમતો જોઈ શકશે.