મેદાન છોડીને બહાર જવું પડ્યું! ઋષભ પંતની ઈજાએ વધારી ફેન્સની ચિંતા, જાણો બીજા દિવસે રમશે કે નહીં?

શ્રીલંકા સામે બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ઋષભ પંત કાંડા પર બોલ વાગતા ઈજાગ્રસ્ત થયો હતો. ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિત્રાંશુ કોટકે તેની ફિટનેસ અંગે મોટું અપડેટ આપ્યું છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 23 Aug 2026 09:58 PM (IST)Updated: Sun, 23 Aug 2026 09:58 PM (IST)
rishabh-pant-injury-update-fit-to-bat-on-day-2-vs-sri-lanka

Rishabh Pant Injury: કોલંબો ખાતે શ્રીલંકા સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા હતા. ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત ઈજાગ્રસ્ત થતાં તેણે મેદાન છોડીને બહાર જવું પડ્યું હતું. પંત આ રીતે ઈજાગ્રસ્ત થઈને રિટાયર્ડ હર્ટ થતાં ભારતીય કેમ્પ અને ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

કેવી રીતે થઈ ઈજા?

ટી-બ્રેક પછી ઋષભ પંત ભારતીય ટીમ માટે બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. 58મી ઓવરમાં શ્રીલંકાના ફાસ્ટ બોલર લહિરુ કુમારાના શોર્ટ બોલ પર પંતે પુલ શૉટ રમવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બોલ બેટ સાથે કનેક્ટ થવાને બદલે તેના ગ્લોવ્ઝ પર વાગ્યો હતો, જેના કારણે તેને કાંડાના ભાગે અસહ્ય દુખાવો થયો હતો.

ટીમના ફિઝિયોએ તરત જ મેદાન પર આવીને તેની તપાસ કરી હતી અને કાંડા પર પટ્ટી પણ બાંધી હતી. પરંતુ તે આગળ બેટિંગ કરી શકે તેમ ન હોવાથી મેદાન બહાર જતો રહ્યો હતો અને તેના સ્થાને રવીન્દ્ર જાડેજા બેટિંગ કરવા આવ્યો હતો.

બેટિંગ કોચ આપી રાહત

પ્રથમ દિવસની રમત પૂર્ણ થયા બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે પંતની ઈજા અંગે મોટું અપડેટ આપ્યું હતું. કોટકે ફેન્સની ચિંતા દૂર કરતા સ્પષ્ટ કર્યું હતું કે, પંત બીજા દિવસે બેટિંગ કરવા માટે સંપૂર્ણપણે ફિટ રહેશે અને મેદાનમાં ઉતરશે.

પ્રથમ દિવસે ભારતે બનાવ્યા 300 રન

શ્રીલંકા સામે પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમે 5 વિકેટના ભોગે 300 રન બનાવીને મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે. ટીમ માટે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા દેવદત્ત પડિક્કલે શાનદાર બેટિંગ કરતા 117 રનની શતકીય ઈનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન શુભમન ગિલે પણ 50 રનનું યોગદાન આપ્યું હતું.