Rinku Singh Priya Saroj Marriage Date: ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહ અને મછલીશહરના લોકસભા સાંસદ પ્રિયા સરોજ આગામી 4 ડિસેમ્બર, 2026 ના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ હાઇ-પ્રોફાઇલ લગ્ન ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ સ્થિત પ્રખ્યાત રામાડા હોટેલમાં યોજાનાર છે, જેને લઈને બંને પરિવારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લગ્નની તૈયારીઓ અત્યારથી જ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.
VVIP મહેમાનો અને સેલેબ્સની હાજરી
આ પણ વાંચો
આ લગ્ન સમારોહમાં રાજકારણ, રમતગમત અને મનોરંજન જગતની અનેક દિગ્ગજ હસ્તીઓ હાજરી આપે તેવી પ્રબળ સંભાવના છે. અહેવાલો અનુસાર, સાંસદ પ્રિયા સરોજ દ્વારા રાજકીય ક્ષેત્રના દિગ્ગજોને ખાસ આમંત્રણ આપવામાં આવશે. જેમાં સમાજવાદી પાર્ટી (SP) ના તમામ સાંસદો અને ધારાસભ્યો ઉપરાંત વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સુપ્રિયા સુલે તથા કેન્દ્ર સરકારના કેટલાક અગ્રણી મંત્રીઓ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
બીજી બાજુ, ક્રિકેટર રિંકુ સિંહના મહેમાનોમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ભારતીય ક્રિકેટ જગતના કેટલાક ખેલાડીઓ જોડાઈ શકે છે. VVIP મહેમાનોના ભવ્ય સ્વાગત અને રોકાણ માટે લખનૌની રામાડા હોટેલ તેમજ હોટેલ તાજમાં ખાસ રૂમ બુક કરવામાં આવ્યા છે.
જૂન 2025માં થઈ હતી સગાઈ
ઉલ્લેખનીય છે કે ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈ જૂન 2025માં થઈ હતી, ત્યારથી જ આ જોડી સોશિયલ મીડિયા અને રાજકીય-ખેલ જગતમાં સતત ચર્ચામાં રહી છે. રિંકુ સિંહે એક ઈન્ટરવ્યુમાં પોતાની લવ સ્ટોરી વિશે રસપ્રદ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, જ્યારે પ્રિયા સરોજ તેમને પહેલીવાર મળવા આવ્યા ત્યારે તેઓ એકલા નહીં પરંતુ પોતાના સત્તાવાર કાફલા સાથે આવ્યા હતા.
પરંપરાગત રીત-રિવાજો અને શાહી ઠાઠમાઠ સાથે યોજાનારા આ લગ્ન સમારોહ માટે મહેમાનોની અંતિમ યાદી આખરી કરી દેવામાં આવી છે. આ લગ્ન રમતગમત અને રાજકારણના ક્ષેત્રનું વર્ષ 2026નું સૌથી મોટું અને આકર્ષક સેલેબ્રિટી વેડિંગ સાબિત થવા જઈ રહ્યું છે.
