Rajat Patidar Catch: દુલીપ ટ્રોફીની સેમિફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સેન્ટ્રલ ઝોનનો ઈસ્ટ ઝોન સામે 4 વિકેટે પરાજય થયો છે. પરંતુ આ મેચમાં સેન્ટ્રલ ઝોનના કેપ્ટન રજત પાટીદારે ઝડપેલા એક અદ્ભુત કેચે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. રજત પાટીદારે આ કેચ સુપરમેનની જેમ હવામાં ડાઈવ લગાવીને પકડ્યો હતો.
રજત પાટીદારનો 'સુપરમેન' કેચ
ઈસ્ટ ઝોનની બીજી ઈનિંગ દરમિયાન 14મી ઓવરના છેલ્લા બોલે આ રોમાંચક ક્ષણ જોવા મળી હતી. ફાસ્ટ બોલર યશ ઠાકુરના બોલ પર ઈસ્ટ ઝોનના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ મિડવિકેટ તરફ મોટો શોટ ફટકારવાનો પ્રયાસ કર્યો. બોલ હવામાં ઘણો ઊંચે ગયો હતો. શોર્ટ મિડવિકેટ પર ફિલ્ડિંગ કરી રહેલા રજત પાટીદારે ઊંધા મોંએ પાછળની તરફ દોડ મૂકી હતી.
બોલ સુધી પહોંચતા જ પાટીદારે હવામાં પોતાના શરીરને પૂરેપૂરું સ્ટ્રેચ કરીને આગળ હાથ લંબાવ્યા અને અદ્ભુત ડાઈવ લગાવીને કેચ લપકી લીધો હતો. જમીન પર પડવા છતાં બોલ તેના હાથમાંથી છટક્યો નહોતો. આ અકલ્પનીય કેચ જોઈને કોમેન્ટેટર્સ, ફેન્સ અને પોતે આઉટ થનાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વૈભવે 43 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 40 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી.
ઈસ્ટ ઝોનની જીત
કેપ્ટન રજત પાટીદારના આ અદ્ભુત કેચ છતાં સેન્ટ્રલ ઝોન પોતાની હાર ટાળી શક્યું નહોતું. સેન્ટ્રલ ઝોને ઈસ્ટ ઝોન સામે જીતવા માટે 159 રનનો ટાર્ગેટ મૂક્યો હતો, જેને ઈશાન કિશનના નેતૃત્વ હેઠળની ઈસ્ટ ઝોનની ટીમે 6 વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો. ઈસ્ટ ઝોનની જીતમાં ફાસ્ટ બોલર મુકેશ કુમાર હીરો રહ્યો હતો, જેણે મેચમાં કુલ 7 વિકેટ ઝડપીને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ જીત્યો હતો.
ટીમ ઈન્ડિયામાંથી રજત પાટીદારની અપેક્ષિત ઉપેક્ષા
અદ્ભુત કેચ અને શાનદાર પ્રદર્શનથી ચાહકોના દિલ જીતનારા રજત પાટીદાર માટે મેચનો દિવસ નારાજગીભર્યો પણ રહ્યો હતો. એકતરફ તેમની ટીમ દુલીપ ટ્રોફીમાંથી બહાર થઈ ગઈ, તો બીજી તરફ અફઘાનિસ્તાન સામેની 3 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ માટે જાહેર કરાયેલી 15 સભ્યોની ભારતીય ટીમમાં પણ તેને સ્થાન મળ્યું નથી.
IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે શાનદાર પ્રદર્શન કરનારા પાટીદારને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન ન મળતાં ક્રિકેટ પ્રેમીઓમાં નિરાશા જોવા મળી છે. હવે રજત પાટીદાર આગામી સમયમાં મધ્યપ્રદેશની ટીમનું નેતૃત્વ કરતાં રણજી ટ્રોફી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે.
