Rajat Patidar RCB Captain: ક્રિકેટના મેદાન પર ક્યારે કોનું નસીબ પલટાઈ જાય તે કોઈ કહી શકતું નથી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) ને સતત બે વાર આઈપીએલ (IPL) ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રજત પાટીદારની કહાની પણ કોઈ ફિલ્મી સ્ક્રીપ્ટથી કમ નથી. વર્ષ 2022 ની આઈપીએલ હરાજીમાં અનસોલ્ડ રહેવાથી લઈને આઈપીએલ ઇતિહાસના સૌથી સફળ કેપ્ટન બનવા સુધીની તેમની આ સફર અદ્ભુત અને પ્રેરણાદાયી છે.
એક ફોન કોલ અને બદલાઈ ગયું નસીબ
વર્ષ 2022 ના મેગા ઓક્શનમાં જ્યારે રજત પાટીદારને કોઈ ટીમે ન ખરીદ્યા ત્યારે તેઓ ભારે નિરાશ થયા હતા. આ નિરાશામાંથી બહાર આવવા માટે તેમણે ક્રિકેટથી બ્રેક લઈ મે 2022 માં લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. લગ્નની તૈયારીઓ અંતિમ તબક્કામાં હતી ત્યારે જ આરસીબી (RCB) ના તત્કાલીન કોચ માઈક હેસનનો એક ફોન આવ્યો. RCB ના વિકેટકીપર લુવનિથ સિસોદિયા ઈજાગ્રસ્ત થતાં ટીમ રજત પાટીદારને રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરવા માંગતી હતી.
શરૂઆતમાં રજત આ ઓફર સ્વીકારવા તૈયાર નહોતા, કારણ કે તેમને લગ્ન કેન્સલ થવાનો અને આખી સીઝન બેન્ચ પર બેસી રહેવાનો ડર હતો. જોકે, પરિવારના સમજાવ્યા બાદ તેઓ ટીમમાં જોડાયા અને બાકીનો ઇતિહાસ આજે આખી દુનિયા જાણે છે.
અનકેપ્ડ પ્લેયર તરીકે પ્લેઓફમાં પ્રથમ સદી
RCB એ 2022 ની સીઝનમાં પાટીદારને બેન્ચ પર બેસાડી રાખવાને બદલે પ્લેઇંગ ઇલેવનમાં તક આપી. તેમણે 8 મેચમાં 333 રન ફટકારીને તરખાટ મચાવ્યો. ખાસ કરીને લખનૌ સુપર જાયન્ટ્સ સામેના એલિમિનેટરમાં માત્ર 54 બોલમાં અણનમ 112* રન ફટકારી તેઓ આઈપીએલના ઇતિહાસમાં પ્લેઓફમાં સદી ફટકારનારા પ્રથમ અનકેપ્ડ ખેલાડી બન્યા હતા.
ઈજાનો મોટો આંચકો અને ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ
વર્ષ 2023 માં એડીની ઈજાના કારણે રજત આખી આઈપીએલ સીઝનમાંથી બહાર થઈ ગયા, જે એક મોટો આંચકો હતો. પરંતુ તેમણે હાર ન માની અને ઘરેલુ ક્રિકેટમાં મધ્ય પ્રદેશ માટે શાનદાર વાપસી કરી. આ પ્રદર્શનના જોરે વર્ષ 2023 માં દક્ષિણ આફ્રિકા સામે તેમણે વનડે (ODI) ડેબ્યૂ કર્યું જેમાં ઓપનર તરીકે 22 રન બનાવ્યા. ત્યારબાદ 2024 માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કરીને 3 મેચમાં 63 રન બનાવ્યા. 2024 ની આઈપીએલ સીઝનમાં પણ તેમણે 15 મેચમાં 395 રન ફટકારી પોતાની ક્ષમતા સાબિત કરી, ખાસ કરીને સ્પિનરો સામે લાંબી સિક્સરો મારવાની તેમની શૈલીના લોકો દીવાના બન્યા.
11 કરોડમાં રિટેન્શન અને RCB ની કમાન
વર્ષ 2025 રજત પાટીદારની કારકિર્દીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું. RCB એ ફાફ ડુ પ્લેસિસને રિલીઝ કર્યો અને વિરાટ કોહલીએ માત્ર એક બેટ્સમેન તરીકે રમવાની ઈચ્છા વ્યક્ત કરી. આ સ્થિતિમાં ફ્રેન્ચાઈઝીએ ₹11 કરોડની કિંમતે રિટેન કરાયેલા રજત પાટીદાર પર ભરોસો મૂકીને ટીમના કેપ્ટન બનાવ્યા.
મુખ્ય કોચ એન્ડી ફ્લાવર અને બેટિંગ કોચ દિનેશ કાર્તિક સાથે મળીને પાટીદારે એક મજબૂત અને સંતુલિત ટીમ તૈયાર કરી. ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડનો અનુભવ, દેવદત્ત પડિકલનો યુવા ઉત્સાહ, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ અને જીતેશ શર્મા જેવા ફિનિશર્સ તેમજ કૃણાલ પંડ્યાની ઓલરાઉન્ડ ક્ષમતા અને છેલ્લા 17 વર્ષથી ટીમનો આધારસ્તંભ રહેલા વિરાટ કોહલીની હાજરીએ આ ટીમને અજેય બનાવી દીધી.
કેપ્ટન તરીકે રચ્યો ક્યારેય ન તૂટે તેવો ઇતિહાસ
આ મજબૂત ટીમના જોરે રજત પાટીદારે ચમત્કાર કરી બતાવ્યો. વર્ષ 2025માં RCB ના 17 વર્ષના આઈપીએલ ટાઇટલના દુષ્કાળનો અંત લાવી પ્રથમ ટ્રોફી જીતાડી. આ સાથે જ વર્ષ 2026માં સતત બીજી સીઝનમાં ટીમને ચેમ્પિયન બનાવી બેક-ટુ-બેક ખિતાબ અપાવ્યા. આ સાથે જ રજત પાટીદાર આઈપીએલના ઇતિહાસમાં પોતાની કેપ્ટનશીપની પ્રથમ બંને સીઝનમાં સતત બે ટાઇટલ જીતનાર એકમાત્ર અને પ્રથમ કેપ્ટન બની ગયા છે. આ એક એવો રેકોર્ડ છે જે આજ સુધી વિશ્વનો કોઈ મોટો કેપ્ટન પણ કરી શક્યો નથી.
