IND vs WI Squad Selection: વેસ્ટઇન્ડિઝ સામેની આગામી વનડે અને T20 શ્રેણી માટે ભારતીય ટીમની ઘોષણા કરી દેવામાં આવી છે. અત્યંત વ્યસ્ત શિડ્યુલના કારણે બીસીસીઆઈ (BCCI) દ્વારા ટીમ સ્ક્વોડમાં અનેક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. T20 કેપ્ટન શ્રેયસ અય્યર એશિયન ગેમ્સમાં રમવાના કારણે વનડે શ્રેણીમાં ઉપલબ્ધ રહેશે નહીં, જેથી તેના સ્થાને ઋતુરાજ ગાયકવાડનો સમાવેશ કરવામાં આવ્યો છે. વનડે ટીમમાં નમન ધીર અને આકિબ નબીને પ્રથમ વખત સ્થાન મળ્યું છે.
બીજી તરફ, T20 ટીમમાં મોટે ભાગે એ જ ખેલાડીઓ સામેલ છે જેઓ એશિયન ગેમ્સમાં રમનારા છે. જોકે T20 ટીમમાં મયંક યાદવ અને પ્રિન્સ યાદવની વાપસી થઈ છે, જેઓ એશિયન ગેમ્સમાં ભારતીય ટીમ સાથે નહીં જાય. પરંતુ આ સિલેક્શન વચ્ચે ચીફ સિલેક્ટર અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ શાનદાર પ્રદર્શન કરવા છતાં ટીમમાં સ્થાન મેળવવાના હકદાર એવા 5 અગ્રણી ખેલાડીઓની બાદબાકી કરી છે.
ટીમમાં સ્થાન મેળવવાના હકદાર હોવા છતાં ઇગ્નોર કરાયેલા 5 ખેલાડીઓ
1). ઋષભ પંત
ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયા માટે સતત શાનદાર પ્રદર્શન કરી રહેલા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની વનડે ટીમમાં વાપસી થઈ શકી નથી. 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી વેસ્ટઇન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે પંતની પસંદગી કરવામાં આવી નથી. પંતને ઈરાની કપ માટે 'રેસ્ટ ઓફ ઇન્ડિયા'ના કેપ્ટન બનાવવામાં આવ્યો છે પરંતુ વનડે ટીમમાં બીજા વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલને સ્થાન અપાયું છે.
2). મોહમ્મદ શમી
સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફીમાં રમીને પોતાની મેચ ફિટનેસ સાબિત કરી દીધી છે. શમીનો વનડે ફોર્મેટમાં ઉત્કૃષ્ટ રેકોર્ડ હોવા છતાં પસંદગી સમિતિ તેમને સતત નજરઅંદાજ કરી રહી છે.
3). રજત પાટીદાર
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને સતત 2 વખત IPL ચેમ્પિયન બનાવનાર અને IPL 2026માં પોતાની કેપ્ટનશીપ તેમજ બેટિંગથી અદ્ભુત પ્રદર્શન કરનાર રજત પાટીદારને ફરી એકવાર ઇગ્નોર કરવામાં આવ્યો છે. શાનદાર ફોર્મ છતાં તેને T20 ટીમમાં તક આપવામાં આવી નથી.
4). કૃણાલ પંડ્યા
IPL 2026માં બેટ અને બોલ બંનેથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા છેલ્લા 5 વર્ષથી ટીમ ઇન્ડિયામાંથી બહાર છે. અગાઉ અફઘાનિસ્તાન શ્રેણીમાં વાપસીની ચર્ચા હોવા છતાં તેને વેસ્ટઇન્ડિઝ પ્રવાસ માટે પણ બહાર રાખવામાં આવ્યો છે.
5). રિંકુ સિંહ
ટી20 ફોર્મેટમાં ભારતીય ટીમ માટે આક્રમક અને શાનદાર પ્રદર્શન કરનાર રિંકુ સિંહને પણ ટીમમાં જગ્યા મળી નથી. ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ અફઘાનિસ્તાન અને હવે વેસ્ટઇન્ડિઝ સામેની T20 શ્રેણીમાં પણ અગરકરે રિંકુ સિંહની બાદબાકી કરી છે.
