BCCI New Chief Selector: ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમની સિલેક્શન કમિટીને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક મોટો નિર્ણય લીધો છે. પૂર્વ મુખ્ય પસંદગીકાર અજીત અગરકરનો કાર્યકાળ પૂરો થયા બાદ ખાલી પડેલી જગ્યા પર ભારતના ભૂતપૂર્વ સ્પિનર રમેશ પોવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે કમિટીમાં સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાનો અનુભવ ધરાવતા પ્રજ્ઞાન ઓઝા હવે સિલેક્શન કમિટીના નવા અવાજ એટલે કે ચીફ સિલેક્ટર તરીકેની જવાબદારી સંભાળશે.
સિનિયોરિટીના નિયમ મુજબ, ભારત માટે 24 ટેસ્ટ મેચ રમનારા પ્રજ્ઞાન ઓઝા હવે અજીત અગરકરનું સ્થાન લેશે અને આ પસંદગી સમિતિના અધ્યક્ષ બનશે.
રમેશ પોવારની થઈ સરપ્રાઈઝ એન્ટ્રી
બીસીસીઆઈ દ્વારા તાજેતરમાં જ પસંદગીકારના પદ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. આ જગ્યા માટે અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપેની અધ્યક્ષતા વાળી ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC) એ તમામ અરજદારોના ઈન્ટરવ્યુ લીધા હતા. વિસ્તૃત ચર્ચા અને ઈન્ટરવ્યુ પ્રક્રિયા બાદ, CAC એ સર્વાનુમતે રમેશ પોવારના નામની ભલામણ કરી હતી, જેને બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
કેવું રહ્યું છે રમેશ પોવારનું કરિયર?
રમેશ પોવાર ભારતીય ક્રિકેટમાં એક અનુભવી ચહેરો રહ્યો છે. તેમણે પોતાના સમગ્ર ક્રિકેટ કરિયરમાં ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક મળીને કુલ 312 મુકાબલા રમ્યા છે.
ટેસ્ટ અને વનડે: ભારત માટે 2 ટેસ્ટ અને 31 વનડે મેચ.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ: 148 મેચોમાં 470 વિકેટ.
લિસ્ટ-એ ક્રિકેટ: 113 મેચોમાં 142 વિકેટ.
T20 ક્રિકેટ: 28 મેચોમાં 14 વિકેટ.
પોવાર પાસે રમત સિવાય કોચિંગ અને મેનેજમેન્ટનો પણ બહોળો અનુભવ છે, જે ટીમ ઈન્ડિયાના ભવિષ્યના ખેલાડીઓની પસંદગીમાં મહત્વનો સાબિત થશે.
અજીત અગરકરના સફળ કાર્યકાળની BCCIએ કરી પ્રશંસા
BCCI એ પૂર્વ ચીફ સિલેક્ટર અજીત અગરકરની સેવાની મુક્ત મને પ્રશંસા કરી છે. બોર્ડે જણાવ્યું હતું કે, જુલાઈ 2023માં જ્યારે અગરકરે આ જવાબદારી સ્વીકારી હતી, ત્યારે ભારતીય ક્રિકેટ એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યું હતું.
અગરકરના નેતૃત્વ હેઠળની સિલેક્શન કમિટીના કાર્યકાળ દરમિયાન ભારતે અદભુત પ્રદર્શન કર્યું છે.
- 3 ICC ટ્રોફી જીતી.
- 2 એશિયા કપના ખિતાબ પોતાના નામે કર્યા.
- એશિયન ગેમ્સમાં સતત બે ગોલ્ડ મેડલ હાસિલ કર્યા.
- બોર્ડે અગરકરની કમિટમેન્ટ અને દ્રઢ નિર્ણયો લેવાની ક્ષમતાની સરાહના કરી હતી.
હવે આવી છે નવી સિલેક્શન કમિટી
નવા ફેરફારો બાદ હવે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમની 5 સભ્યોની પસંદગી સમિતિ નીચે મુજબ રહેશે-
- પ્રજ્ઞાન ઓઝા (અધ્યક્ષ / ચીફ સિલેક્ટર)
- શિવ સુંદર દાસ
- આર.પી. સિંહ
- અજય રાત્રા
- રમેશ પોવાર
નવી પસંદગી સમિતિ સામે આગામી મહત્વની આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ્સ અને શ્રેણીઓ માટે મજબૂત અને યુવા ભારતીય ટીમ તૈયાર કરવાનો મુખ્ય પડકાર રહેશે.
