PBKS vs KKR: કેપ્ટન શ્રેયસ અય્યર ઘરઆંગણે જ થયો ફેલ, જૂની ટીમ સામે ખાતું પણ ખોલાવી ન શક્યો

KKR સામે રમાઈ રહેલી મેચમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 15 Apr 2025 09:52 PM (IST)Updated: Tue, 15 Apr 2025 09:52 PM (IST)
pbks-vs-kkr-captain-shreyas-iyer-failed-at-home-could-not-even-open-an-account-against-his-old-team

PBKS vs KKR: પંજાબ કિંગ્સના હોમ ગ્રાઉન્ડ પર કેપ્ટન શ્રેયસ અય્યરે ફેન્સને નિરાશ કર્યાં છે. ગયા સિઝનમાં પોતાની કેપ્ટનશીપમાં KKRને ચેમ્પિયન બનાવનાર અય્યર કોલકાતા સામે બેટથી કંઈ ખાસ કરી શક્યો નહીં. ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં અય્યરના ટ્રમ્પ કાર્ડ રહેલા હર્ષિત રાણાએ પંજાબના કેપ્ટનને આઉટ કર્યો. અય્યરની ઇનિંગ્સ ફક્ત 2 બોલમાં જ ખતમ થઈ ગઈ. IPL 2025માં પહેલી વાર શ્રેયસ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, પંજાબ કિંગ્સની શરૂઆત સારી રહી ન હતી અને 10 ઓવરમાં અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી.

અય્યર રહ્યો ફ્લોપ
મુલ્લાનપુરમાં ટોસ પંજાબ કિંગ્સના પક્ષમાં આવ્યો અને કેપ્ટન શ્રેયસ અય્યરે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરને તોફાની શરૂઆત કરી અને 3.2 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 39 રન બનાવ્યા. જોકે, આ પછી હર્ષિત રાણાએ એક જ ઓવરમાં પંજાબને બે મોટા ઝટકા આપ્યા. હર્ષિતે પહેલા પ્રિયાંશની ઇનિંગનો અંત લાવ્યો અને તેને 22 રનના સ્કોર પર આઉટ કર્યો. આ પછી ક્રીઝ પર આવેલા કેપ્ટન શ્રેયસ અય્યર પણ 2 બોલ રમીને આઉટ થઈ ગયો. અય્યરે હર્ષિત સામે મોટો શોટ માર્યો પણ રમનદીપ સિંહને એક સરળ કેચ આપ્યો. શ્રેયસને ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફરવું પડ્યું.

પંજાબની હાલત ખરાબ
શ્રેયસ અય્યર પેવેલિયન પરત ફર્યા બાદ પ્લેઇંગ 11માં સામેલ કરાયેલા જોશ ઇંગ્લિસ બેટથી કંઈ ખાસ કરી શક્યો નહીં અને માત્ર 2 રન બનાવીને આઉટ થયો. 15 બોલમાં 30 રન બનાવીને પ્રભસિમરન હર્ષિતનો ત્રીજો શિકાર બન્યો. એનરિચ નોર્ટજેના બોલ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે 10 રન બનાવીને નાહેલ વાઢેરાએ પણ પોતાની વિકેટ ગુમાવી દીધી. ગ્લેન મેક્સવેલે ફરી એકવાર પોતાના પ્રદર્શનથી નિરાશ કર્યાં અને ફક્ત 7 રન જ બનાવી શક્યો. સૂર્યાંશ શેડગે પણ મળેલી તકનો લાભ લેવામાં નિષ્ફળ ગયો અને 4 રન બનાવીને આઉટ થયો.