World Cup 2023: વર્લ્ડ કપની તારીખ આવી સામે, આ દિવસે ભારત-પાકિસ્તાન વચ્ચે જોવા મળી શકે છે ટક્કર

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 10 May 2023 05:08 PM (IST)Updated: Wed, 10 May 2023 05:54 PM (IST)
odi-wc-2023-world-cup-date-announced-india-pakistan-clash-on-this-day

World Cup 2023 Schedule: ICC વનડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં થશે. આ વર્લ્ડ કપને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ વર્લ્ડ કપની શરુઆત 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ સાથે થશે. તો ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. જો કે BCCI ટૂંક સમયમાં જ વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કરી શકે છે.

ભારતની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે
વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ટીમ પણ ભાગ લેશે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર 15 ઓક્ટોબર રવિવારનાં રોજ થશે. જ્યારે ટૂર્નામેન્ટની પહેલી અને છેલ્લી મેચ એટલે કે ફાઈનલ અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની પૂરેપૂરી શક્યતા છે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે.

ક્રિકબઝે તે વાતની પણ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાન વિશ્વ કપ માટે ભારતની યાત્રા કરવા માટે રાજી થઈ ગયું છે. પરંતુ એવા પણ સમાચાર આવી રહ્યાં છે કે પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં પોતાનો ગ્રૂપ મુકાબલો રમવા નથી માગતી. અસ્થાયી કાર્યક્રમ મુજબ પાકિસ્તાન પોતાની મેચ અમદાવાદ, હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગલુરુમાં રમશે.

મોહાલી-નાગપુરમાં મેચ નહીં રમાય તેવી શક્યતા
અમદાવાદ, ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદ ઉપરાંત કોલકાતા, દિલ્હી, ઈન્દોર, ધર્મશાળા, ગુવાહાટી, રાજકોટ, રાયપુર અને મુંબઈમાં વર્લ્ડ કપની મેચ રમાય શકે છે. જ્યારે મોહાલી અને નાગપુરને યજમાન શહેરોની યાદીમાં બહાર કરવામાં આવી શકે છે. 2011ના વનડે વર્લ્ડ કપની ફાઈનલ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી ત્યારે આ વખતે સેમીફાઈનલની મેચ આ ગ્રાઉન્ડમાં રમાઈ શકે છે.

આઠ ટીમ અત્યાર સુધીમાં ક્વોલિફાઈ થઈ ચુકી છે
આ વખતે વિશ્વ કપમાં કુલ 10 ટીમો વચ્ચે 48 મેચનું આયોજન થશે. ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા પહેલેથી જ આ મેગા ઈવેન્ટ માટે ક્વોલિફાઈ કરી ચુક્યું છે. જ્યારે બાકીની બે ટીમનો નિર્ણય ઝિમ્બાબ્વેમાં જૂન-જુલાઈ મહિના થનારા ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટની મદદથી થશે. ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટમાં વેસ્ટઈન્ડિઝ, શ્રીલંકા, નેધરલેન્ડ, આયરલેન્ડ, નેપાળ, ઓમાન, સ્કોટલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને ઝિમ્બાબ્વે સામેલ છે.

2019ના વર્લ્ડ કપની જેમ આ વખતે પણ રોબિન ફોર્મેટમાં રમાશે, જ્યાં પ્રત્યેક ટીમ બીજી ટીમ વિરુદ્ધ એક વખત રમશે. એટલે કે ગ્રૂપ સ્ટેજની સમાપ્તિ પછી તમામ ટીમ 9-9 મુકાબલા રમી હશે. ગ્રૂપ સ્ટેજમાં ટોપ ચાર ટીમ સેમીફાઈનલમાં આમનેસામને થશે.