Ind vs Ire T20 Squad: આયરલેન્ડ અને ઈંગ્લેન્ડના મહત્વના પ્રવાસ પર રવાના થાય તે પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના યુવા ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી ઈજાના કારણે આગામી ટી20 શ્રેણીમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગયો છે. જોકે, નીતીશ રેડ્ડી બહાર થતાં જ ડોમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલમાં ધમાલ મચાવનારા એક સ્ટાર ઓલરાઉન્ડરનું નસીબ ખુલી ગયું છે. બીસીસીઆઈ (BCCI)ની સિનિયર સિલેક્શન કમિટીએ આ ઈજાગ્રસ્ત ખેલાડીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે.
અજીત અગરકરની કમિટીએ લીધો મોટો નિર્ણય
અજીત અગરકરની અધ્યક્ષતાવાળી સિનિયર સિલેક્શન કમિટીએ નીતીશ રેડ્ડીના સ્થાને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પંજાબ કિંગ્સ તરફથી રમતા ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડ્ગે (Suryansh Shedge)ને ભારતીય ટીમમાં સ્થાન આપ્યું છે. બીસીસીઆઈએ મંગળવારે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને આ અંગેની માહિતી આપી હતી.
લગાતાર શાનદાર પ્રદર્શનનું મળ્યું મોટું ઈનામ
સૂર્યાંશ શેડ્ગે છેલ્લા કેટલાક સમયથી ડોમેસ્ટિક ક્રિકેટ અને પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ્સમાં પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી પસંદગીકારોને પ્રભાવિત કરી રહ્યો હતો. તે આઈપીએલમાં પંજાબ કિંગ્સનો હિસ્સો છે અને ટીમના લોઅર-ઓર્ડરમાં આવીને ઘણી મહત્વની ઇનિંગ્સ રમી ચૂક્યો છે. રસપ્રદ વાત એ છે કે, પંજાબ કિંગ્સના કેપ્ટન અને સૂર્યાંશના ખાસ મિત્ર એવા શ્રેયસ અય્યર હાલમાં ભારતીય ટી20 ટીમના પણ કેપ્ટન છે. આવામાં આ બંને મિત્રો હવે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત માટે સાથે રમતા જોવા મળશે.
આઈપીએલ ઉપરાંત, સૂર્યાંશે તાજેતરમાં જ રમાયેલી ત્રિપાંખીયો શ્રેણી (Try-Series)માં ઇન્ડિયા-એ તરફથી રમતા શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે રમેલી 5 મેચોમાં પોતાના બેટથી 147 રન ફટકાર્યા હતા, જેના કારણે તે સિલેક્ટર્સની નજરમાં આવ્યો હતો.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ચમક્યો હતો સૂર્યાંશ
ઘરેલું ક્રિકેટમાં મુંબઈ તરફથી રમતા સૂર્યાંશ શેડ્ગેએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024-25 (Syed Mushtaq Ali Trophy)માં અસાધારણ રમત બતાવી હતી. મુંબઈની ટીમને આ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતાડવામાં તેણે અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી અને આ જ પ્રદર્શન તેના માટે ટીમ ઈન્ડિયાના દરવાજા ખોલવા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું.
અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં નીતીશને થઈ હતી ઈજા
ભારતીય ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી તાજેતરમાં જ અફઘાનિસ્તાન સામે રમાયેલી ત્રણ મેચોની વનડે સિરીઝની ત્રીજી મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેને ક્વાડ્રિસેપ્સ ઇન્જરી (Quadriceps Injury - સ્નાયુની ઈજા) થઈ છે, જેના કારણે તે આયરલેન્ડ અને ઈંગ્લેન્ડના ટી20 પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે.
અત્રે નોંધનીય છે કે, નીતીશ રેડ્ડીને ઇંગ્લેન્ડ સામે રમાનારી ત્રણ મેચોની વનડે સિરીઝ માટે પણ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ હજુ સુધી તેને વનડે સિરીઝમાંથી બહાર જાહેર કર્યો નથી. બોર્ડને આશા છે કે વનડે સિરીઝ શરૂ થાય ત્યાં સુધીમાં નીતીશ સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે.
ભારતીય ક્રિકેટ ફેન્સ હવે એ જોવા માટે ઉત્સુક છે કે ડેબ્યૂની તક મળતાં જ સૂર્યાંશ શેડ્ગે આંતરરાષ્ટ્રીય પિચ પર કેવો કમાલ બતાવે છે.
