IPL News Update: મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ફ્રેન્ચાઈઝીએ તેમના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને બેટિંગ કોચ કિરોન પોલાર્ડને (Kieron Pollard) ટીમના હેડ કોચ તરીકે પ્રોમોટ કરવાની જાહેરાત કરી છે. 24 ઓક્ટોબર 2026 ના રોજ મુંબઈથી નીતા અંબાણીએ કરેલી જાહેરાત સાથે પોલાર્ડ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેનો 16 વર્ષ જૂનો સફળ અને મજબૂત સંબંધ હવે એક નવા અધ્યાયમાં પ્રવેશ્યો છે.
નીતા અંબાણીએ વ્યક્ત કરી ખુશી
મુંબઈ ઈન્ડિયન્સના કો-ઓનર નીતા અંબાણીએ આ નિર્ણય અંગે આનંદ વ્યક્ત કરતા કહ્યું કે, "પોલાર્ડ માત્ર 22 વર્ષની યુવાન વયે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયા હતા, અને છેલ્લા 16 વર્ષોમાં તેઓ અમારા પરિવારનો અનિવાર્ય હિસ્સો બની ગયા છે. એક ખેલાડી તરીકે તેમણે આપણને અનેક અવિસ્મરણીય ક્ષણો આપી અને કોચ તરીકે પણ પોતાનો અનુભવ, જુસ્સો અને રમતની ઊંડી સમજ સક્ષમતાથી શેર કરી છે. તેમને હેડ કોચની આ નવી જવાબદારી સોંપતા ખૂબ જ આનંદ થાય છે. પોલી MI ની જર્સી પહેરવાનો અને 'પલટન' માટે રમવાનો અર્થ સારી રીતે જાણે છે. મને વિશ્વાસ છે કે તેઓ નવી ભૂમિકામાં પણ તે જ સમર્પણ અને દ્રઢ સંકલ્પ લાવશે."
હેડ કોચ તરીકે કિરોન પોલાર્ડનું નિવેદન
નવી જવાબદારી સંભાળ્યા બાદ કિરોન પોલાર્ડે જણાવ્યું કે, "મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચની ભૂમિકા સ્વીકારવી એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. MI મારી લાઈફ અને કરિયરનો ખૂબ મોટો હિસ્સો રહ્યું છે. એક ખેલાડી અને ત્યારબાદ કોચ તરીકે આ જર્ની અનુભવ્યા પછી હું સમજુ છું કે મુંબઈ ઈન્ડિયન્સ શા માટે જાણીતું છે. મારા પર વિશ્વાસ મૂકવા બદલ હું શ્રીમતી નીતા અંબાણી, આકાશ અંબાણી અને સમગ્ર MI પરિવારનો આભારી છું. હું ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે મળીને ટીમના વારસાને આગળ ધપાવવા અને ફેન્સને ઉજવણીના વધુ કારણો આપવા આતુર છું."
ખેલાડીથી બેટિંગ કોચ અને હવે હેડ કોચ
પોલાર્ડ ટી20 ક્રિકેટના ઉત્ક્રાંતિ અને તેની રણનીતિક માંગણીઓ અંગે બહોળો અનુભવ ધરાવે છે. MI સાથે ખેલાડી અને તાજેતરમાં બેટિંગ કોચ તરીકેની તેમની સફર તેમને ફ્રેન્ચાઈઝીની સફળતા અને સંસ્કૃતિ અંગે એક અનોખો દ્રષ્ટિકોણ પૂરો પાડે છે, જે ટીમને આગળ લઈ જવામાં મદદરૂપ થશે.
મુંબઈ ઈન્ડિયન્સનો દબદબો-ટ્રોફીનો રેકોર્ડ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સબસિડિયરી ઈન્ડિયાબિન સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડની માલિકી ધરાવતી મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી ક્રિકેટની સૌથી સફળ ટીમોમાંથી એક છે:
વૈશ્વિક હાજરી: MI પરિવાર 5 દેશો અને 4 ખંડોમાં 7 ટીમો ધરાવે છે.
13 ગ્લોબલ ટાઈટલ: વૈશ્વિક ટી20 લીગમાં MI પરિવારે કુલ 13 ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યા છે. જેમાં 5 IPL ટાઇટલ, 2 ચેમ્પિયન્સ લીગ T20 ટાઈટલ, 2 વુમન્સ પ્રીમિયર લીગ (WPL) ટાઈટલ, MI ન્યૂયોર્ક સાથે 2 મેજર લીગ ક્રિકેટ (MLC) ટાઇટલ, તેમજ ILT20 માં MI એમિરેટ્સ અને SA20 માં MI કેપ ટાઉન સાથે 1-1 ટાઇટલ સામેલ છે.
ધ હન્ડ્રેડ: 'ધ હન્ડ્રેડ' (The Hundred) માં MI લંડનની પુરૂષ અને મહિલા ટીમોએ મળીને કુલ 5 ટાઈટલ જીત્યા છે.
