MS Dhoni Retirement Post: મહેન્દ્રસિંહ ધોનીએ IPL 2027 રિટેન્શન લિસ્ટ સામે આવે તે પહેલાં જ IPL માંથી નિવૃત્તિ જાહેરાત કરી દીધી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરતા સમયે ધોનીએ એક ઈમોશનલ પોસ્ટ કરી હતી. આ વખતે પણ પોતાની નિવૃત્તિ અંગે સત્તાવાર જાહેરાત કરતા એમએસ ધોનીએ ભાવુક પોસ્ટ કરી છે, જે હાલ ભારે વાયરલ થઈ રહી છે.
ધોનીએ કરી IPL માંથી પણ નિવૃત્તિની જાહેરાત
આપને જણાવી દઈએ કે, ગત IPL સિઝનમાં એમએસ ધોની ઈજાના કારણે ન રમી શક્યા. આ સંજોગોમાં ધોનીએ નિર્ણય લીધો કે તેઓ આગામી IPL સિઝનમાં રમી શકશે નહીં અને તેમણે આ નિર્ણય ફ્રેન્ચાઈઝીને જણાવી દીધો હતો. અગાઉ વર્ષ 2020 માં પણ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેરાત કરી હતી. હવે જ્યારે ફેન્સ વિચારી રહ્યા હતા કે ધોની આગામી IPL સિઝનમાં રમતા જોવા મળશે, તે પહેલાં જ તેમણે નિવૃત્તિ જાહેર કરી દીધી છે.
'મેં પલ દો પલ કા શાયર હું', ભાવુક વીડિયો પોસ્ટ
એમએસ ધોનીએ 'મેં પલ દો પલ કા શાયર હૂં, પલ દો પલ મેરી કહાની હે' ગીત સાથે ભાવુક પોસ્ટ શેર કરીને IPL ને અલવિદા કહ્યું છે. તેમણે આ વીડિયો પોસ્ટમાં પોતાના ક્રિકેટ કરિયરના શરૂઆતના તબક્કાથી લઈને અત્યાર સુધીની સફરને યાદ કરી છે. જે ગીત સાથે એમએસ ધોનીએ વીડિયો શેર કર્યો છે તેના કારણે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
ચેન્નઈના મેદાન પર છેલ્લી મેચનું સપનું અધૂરું રહ્યું
એમએસ ધોનીએ IPL 2022 માં ફેન્સને વચન આપ્યું હતું કે તેઓ IPL ની પોતાની છેલ્લી મેચ ચેન્નઈના મેદાન પર રમવા માંગે છે. પરંતુ માહી છેલ્લી વાર IPL 2025 માં અમદાવાદના મેદાન પર રમતા જોવા મળ્યા હતા. આ કારણે તેઓ ફેન્સને આપેલું વચન પૂરું કરી શક્યા નથી અને ચેન્નઈના મેદાન પર છેલ્લી મેચ રમવાનું સપનું અધૂરું રહી ગયું છે. ચેન્નઈમાં છેલ્લી મેચ રમવાનું વચન પૂરું ન કરી શકવા બદલ ધોનીએ પોસ્ટ શેર કરીને ફેન્સ પાસે માફી પણ માંગી છે.
સોશિયલ મીડિયામાં ભાવુક પોસ્ટ શેર કરતી વખતે એમએસ ધોનીએ લખ્યું કે, "ફેન્સે મને ખોટો સાબિત કરી દીધો. આ વાતને સ્વીકારવા માટે આનાથી વધુ સારું કોઈ ગીત હોઈ શકે નહીં. કદાચ આ ગીતના 2 વર્ઝન એટલા માટે બનાવવામાં આવ્યા હતા જેથી હું ભૂલ કરી શકું અને પછી તેને સ્વીકારી શકું."
