એમ એસ ધોનીએ CSKને પહેલેથી જ આપી દીધી હતી સંન્યાસની માહિતી, ઓનર રૂપા ગુરુનાથે જણાવ્યું આખું સત્ય

MS Dhoni IPL Retirement: CSKના ઓનર રૂપા ગુરુનાથે જણાવ્યું કે કેવી રીતે ધોનીએ ટીમ છોડવાનો અને સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 17 Nov 2026 05:37 PM (IST)Updated: Tue, 17 Nov 2026 05:37 PM (IST)
ms-dhoni-had-already-informed-csk-about-his-retirement-owner-rupa-gurunath-reveals-the-whole-truth

MS Dhoni IPL Retirement: ભારતીય ક્રિકેટના સૌથી સફળ અને લોકપ્રિય કેપ્ટનમાંથી એક એમ.એસ. ધોની (MS Dhoni)ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના માલિક રૂપા ગુરુનાથે એક વીડિયો શેર કરીને ખુલાસો કર્યો છે કે ધોનીએ IPLમાંથી પોતાના સંન્યાસની જાહેરાત પહેલા જ ફ્રેન્ચાઇઝીને જણાવી દીધી હતી. હવે એમ.એસ. ધોની આગામી સમયમાં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે એક મેન્ટરની ભૂમિકામાં જોવા મળશે.

IPL 2026માં ન રમવાને લઈને ધોનીનો મોટો નિર્ણય

આઈપીએલ 2026 દરમિયાન ઈજા (Injury)ના કારણે એમ.એસ. ધોની એક પણ મેચ રમી શક્યા નહોતો. ફિટનેસ અને ઉંમરના કારણે તેમના ભવિષ્યને લઈને અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે તેમણે પોતાના કરિયરને લઈને આખરી નિર્ણય લેતા આઈપીએલમાંથી હંમેશ માટે સંન્યાસનું એલાન કરી દીધું છે. ધોનીએ અચાનક આ નિર્ણય નથી લીધો, પરંતુ તેમણે ફ્રેન્ચાઇઝીને થોડા સમય પહેલા જ આ વાતનો સંકેત આપી દીધો હતો.

તેમણે પોતાના નિર્ણયને પાક્કો કરતા ફ્રેન્ચાઇઝીને સ્પષ્ટ કહી દીધું હતું કે- આગામી સિઝનમાં હું રમતો દેખાઈશ નહીં, તેથી મારૂં નામ રિલીઝ ખેલાડીઓની યાદીમાં જોડી દેજો.

CSK ઓનર રૂપા ગુરુનાથે શું કહ્યું?

ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા તેમના અધિકૃત યુટ્યુબ ચેનલ પર એક વિશેષ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ફ્રેન્ચાઇઝીના ઓનર રૂપા ગુરુનાથ ફ્રેન્ચાઇઝી અને ધોનીના 20 વર્ષના સફર વિશે વાત કરતા ભાવુક નજરે પડ્યા હતા.

રૂપા ગુરુનાથે વીડિયોમાં જણાવ્યું હતું કે- જો હું વર્ષ 2008ના આઈપીએલ ઓક્શનને યાદ કરું, તો મારા પિતા ઈચ્છતા હતા કે એમ.એસ. ધોની ટીમની કેપ્ટનશિપ સંભાળે. તે એક ખૂબ જ મોટો નિર્ણય હતો, પરંતુ આજ સુધીના અમારા શ્રેષ્ઠ નિર્ણયોમાંથી તે સૌથી સર્વોત્તમ સાબિત થયો. છેલ્લા 20 વર્ષોમાં ઉતાર-ચઢાવ વચ્ચે ધોની અને ચેન્નઈ સુપર કિંગ્સ સાથે આગળ વધ્યા છે. અમે સાથે મળીને ઘણું બધું શીખ્યા છીએ.

ધોનીના સંન્યાસની અંદરની વાત શેર કરતા તેમણે કહ્યું- અમે થોડા મહિના પહેલા જ મળ્યા હતા અને તેમણે કહ્યું હતું કે તેમને શંકા છે કે તેઓ આગામી સિઝન રમી શકશે કે નહીં. ત્યારબાદ, શનિવારે અમે રિટેન અને રિલીઝ કરનાર ખેલાડીઓની યાદી અંગે વીડિયો કૉલ પર ચર્ચા કરી રહ્યા હતા. જ્યારે અમે તેમને આખી લિસ્ટ દેખાડી, ત્યારે તેમણે કહ્યું કે 'રિલીઝ લિસ્ટમાં મારું નામ પણ જોડી દેજો.' આ સાંભળીને કૉલ કટ થઈ ગયો અને મેં તેમને ફરીથી ફોન કરીને કહ્યું કે, 'જો તમે આગામી સિઝન નહીં રમો, તો આ ઇન્ટરનેટ પણ આ ઝટકો હેન્ડલ નહીં કરી શકે.' છતાં તેમણે પોતાનો નિર્ણય બદલ્યો નહીં. મારા માટે પણ આ એક અત્યંત મુશ્કેલ દિવસ છે.

ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ધોનીનો સુવર્ણ સફર અને સિદ્ધિઓ

એમ.એસ. ધોની અને CSKનો સંબંધ ક્રિકેટ જગતમાં અતૂટ માનવામાં આવે છે. 'થાલા' (Thala) તરીકે ઓળખાતા ધોનીએ પોતાની શાનદાર કેપ્ટનશિપ હેઠળ ચેન્નઈને રેકોર્ડબ્રેક પાંચ વખત આઈપીએલની ટ્રોફી જીતાડી છે:

ચેમ્પિયન વર્ષો: 2010, 2011, 2018, 2021 અને 2023.

ઉલ્લેખનીય છે કે, IPL 2024ની શરૂઆત પહેલા જ ધોનીએ CSKની કેપ્ટનશિપ છોડી દીધી હતી અને ટીમની કમાન રુતુરાજ ગાયકવાડને સોંપી દીધી હતી. તે એક ખેલાડી તરીકે ટીમ સાથે જોડાયેલો રહ્યો હતો, પરંતુ હવે આઈપીએલમાંથી સત્તાવાર રીતે ખેલાડી તરીકે વિદાઈ લઈને તે ફ્રેન્ચાઇઝીમાં મેન્ટરની નવી જવાબદારી સંભાળશે, જેથી યુવા ખેલાડીઓને તેમનું અમૂલ્ય માર્ગદર્શન મળતું રહે.

આ નિર્ણયથી ધોનીના લાખો ફેન્સનું દિલ તૂટ્યું છે, પરંતુ ક્રિકેટ જગતમાં તેનો પ્રભાવ અને CSK સાથેનો તેનો આત્મીય સંબંધ હંમેશા રહેશે.