Jasprit Bumrah: 'જસ્સી જૈસા કોઈ નહીં', પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટને બુમરાહને ગણાવ્યો વિશ્વનો સૌથી ઘાતક બોલર

પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઈકલ ક્લાર્કે જસપ્રીત બુમરાહની જોરદાર પ્રશંસા કરી છે. ક્લાર્કના મતે બુમરાહ પાસે જે ગતિ, યોર્કર અને વિવિધતા છે તે વિશ્વના અન્ય બોલરોમાં જોવા મળતી નથી.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 14 Mar 2026 11:09 AM (IST)Updated: Sat, 14 Mar 2026 11:09 AM (IST)
michael-clarke-praises-jasprit-bumrah-world-most-dangerous-bowler-india-cricket

Michael Clarke on Bumrah: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગના ફેન્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે બુમરાહની મુક્ત કંઠે પ્રશંસા કરતા તેને વિશ્વ ક્રિકેટનો 'અનોખો જાદુગર' ગણાવ્યો છે. ક્લાર્કના મતે, બુમરાહ પાસે જે કૌશલ્ય છે તે હાલના સમયમાં દુનિયાના અન્ય કોઈ પણ બોલર પાસે નથી.

ઓસ્ટ્રેલિયન દિગ્ગજો કરતા પણ શ્રેષ્ઠ

માઈકલ ક્લાર્કે ભારતની તાજેતરની T20 વર્લ્ડ કપ જીત બાદ બુમરાહના પ્રદર્શન પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ જેવા દિગ્ગજ ઓસ્ટ્રેલિયન બોલરો સાથે સરખામણી કરતા કહ્યું કે, 'આ ત્રણેય નિઃશંકપણે મહાન છે, પરંતુ બુમરાહ જે વિવિધતા લાવે છે તેનો આ બોલરોમાં અભાવ છે.' ક્લાર્કે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું કમિન્સ કે સ્ટાર્કે ક્યારેય માત્ર સ્લોઅર બોલના દમ પર 3 કે 4 વિકેટ ઝડપી છે? બુમરાહ પાસે 145 કિમી/કલાકની ગતિ અને સ્વિંગની સાથે વિશ્વનો સૌથી શ્રેષ્ઠ યોર્કર છે, જે તેને અનન્ય બનાવે છે.

કુશળતા અને ચોકસાઈ

બુમરાહની સૌથી મોટી તાકાત તેની ચોકસાઈ છે. ક્લાર્કે નોંધ્યું કે, 'બુમરાહનું સૌથી ઓછું આંકવામાં આવેલું પાસું તેની સ્કિલ છે. તેનું પ્રદર્શન 100 માંથી 99 વખત એકદમ સચોટ હોય છે.' ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલમાં માત્ર 15 રન આપીને 4 વિકેટ ઝડપવી એ તેની મેચ વિનિંગ ક્ષમતાનો પુરાવો છે. ક્લાર્કના મતે બુમરાહ પિચની સ્થિતિ વાંચવામાં માસ્ટર છે. ફાઇનલમાં પિચ ધીમી હોવાનું સમજીને તેણે સ્લોઅર ડિલિવરીનો જે રીતે ઉપયોગ કર્યો તે તેની રમત પ્રત્યેની સમજ દર્શાવે છે.

મલિંગા સાથે સરખામણી

ક્લાર્કે બુમરાહની સરખામણી શ્રીલંકાના દિગ્ગજ લસિથ મલિંગા સાથે કરી હતી. તેમણે કહ્યું કે બુમરાહની વિશિષ્ટ બોલિંગ એક્શન અને ગતિ તેને મલિંગા જેટલો જ ખતરનાક બનાવે છે. બુમરાહના સ્લોઅર બોલને તેમણે 'બેઝબોલ કર્વબોલ' સાથે સરખાવ્યો હતો, જે હવામાં હોવા છતાં પોતાનો માર્ગ બદલી નાખે છે અને બેટ્સમેનને થાપ આપી દે છે.