Naman Dhir Catch, MI vs PBKS, IPL 2026: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 24મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રસાકસીભર્યો મુકાબલો જોવા મળ્યો હતો. આ મેચમાં મુંબઈના યુવા ઓલરાઉન્ડર નમન ધીર (Naman Dhir) સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. નમન ધીરે ફિલ્ડિંગ દરમિયાન જે રીતે ‘ઝીરોમાંથી હીરો’ બનવાની સફર ખેડી, તેણે સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકો અને કોમેન્ટેટર્સને પણ ચોંકાવી દીધા હતા.
નમન ધીરે અશક્ય કેચ પકડ્યો
આ પણ વાંચો
પંજાબ કિંગ્સની ઇનિંગ દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સ માટે શ્રેયસ અય્યરની વિકેટ અત્યંત મહત્વની હતી. મેચની એક નિર્ણાયક ક્ષણે, શ્રેયસ અય્યરે હવામાં શોટ રમ્યો અને બોલ સીધો નમન ધીરના હાથમાં જઈ રહ્યો હતો. આ એક સાવ આસાન એટલે કે ‘સીટર’ કેચ હતો, પરંતુ નમન ધીરના હાથમાંથી બોલ છટકી ગયો. આ ભૂલ બાદ નમન પોતે પણ ઘણો નિરાશ દેખાયો હતો અને મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાના ચહેરા પર પણ ચિંતાની રેખાઓ જોવા મળી હતી.
જોકે, નમન ધીરને પોતાની આ ભૂલ સુધારવાની તક તરત જ મળી ગઈ. એ જ ઓવરના આગામી બોલ પર શ્રેયસ અય્યરે ફરી એકવાર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો. આ વખતે બોલ નમન ધીરથી ઘણો દૂર હતો, પરંતુ તેણે અદભૂત સ્ફૂર્તિ બતાવતા હવામાં લાંબી ડાઈવ લગાવી અને એક હાથે અશક્ય લાગતો કેચ ઝડપી લીધો. જે ફિલ્ડરે એક મિનિટ પહેલા આસાન કેચ છોડ્યો હતો, તેણે જ વર્ષનો સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવો કેચ પકડીને શ્રેયસ અય્યરને પેવેલિયન ભેગો કર્યો.
સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ
નમન ધીરના આ ‘સ્ટનિંગ’ કેચનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ક્રિકેટ ફેન્સ આ કેચની સરખામણી આંતરરાષ્ટ્રીય સ્તરના શ્રેષ્ઠ કેચ સાથે કરી રહ્યા છે. કોમેન્ટ્રી પેનલે પણ નમનના આત્મવિશ્વાસની પ્રશંસા કરી હતી કે એક ભૂલ બાદ તેણે પોતાનું મનોબળ તૂટવા ન દીધું અને ટીમને મોટી વિકેટ અપાવી.
FINE CATCH!! 👏
— IndianPremierLeague (@IPL) April 16, 2026
🎥 Naman Dhir with a brilliant diving catch in the deep 🫴
Updates ▶️ https://t.co/Fn2dxJ429j#TATAIPL | #KhelBindaas | #MIvPBKS | @mipaltan pic.twitter.com/4LXPj5cmC6
મુંબઈ ઇન્ડિયન્સ માટે પડકારજનક સ્થિતિ
જોકે, નમન ધીરના આ અદભૂત કેચ છતાં મુંબઈ ઇન્ડિયન્સ માટે આ મેચ યાદગાર ન રહી. પંજાબ કિંગ્સે શાનદાર બેટિંગ કરીને મુંબઈને ૭ વિકેટે હાર આપી. મુંબઈ ઇન્ડિયન્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં ૯મા સ્થાને છે અને ટીમમાં ખેલાડીઓ વચ્ચેના તણાવના સમાચાર પણ વહેતા થયા છે.
