Kuldeep Yadav Wedding Update: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ ટૂંક સમયમાં લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યો છે. કુલદીપ તેની બાળપણની મિત્ર વંશિકા સાથે 14 માર્ચે મસૂરીમાં લગ્ન કરશે. આ હાઈ-પ્રોફાઈલ લગ્નને પગલે ક્રિકેટ જગત અને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મસૂરીની પ્રખ્યાત 'ધ સેવોય' હોટેલ આ ભવ્ય સમારોહ માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે.
ક્રિકેટ જગતના સિતારાઓનો જમાવડો
કુલદીપના લગ્નમાં ભારતીય ક્રિકેટના દિગ્ગજો હાજરી આપે તેવી પ્રબળ શક્યતા છે. સમાચાર એજન્સી PTI ના અહેવાલ મુજબ, રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ આ પ્રસંગે હાજર રહી શકે છે. 'ધ સેવોય' હોટેલમાં મહેમાનો માટે અંદાજે 80 રૂમ બુક કરવામાં આવ્યા છે. સુરક્ષા અને મહેમાનોના ધસારાને જોતા આસપાસની અન્ય લક્ઝરી હોટેલોમાં પણ એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે.
કોણ છે કુલદીપની થનારી પત્ની વંશિકા?
કુલદીપ અને વંશિકા બાળપણના મિત્રો છે અને બંને કાનપુરના વતની છે. કાનપુરમાં તેમના નિવાસસ્થાન માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલા છે. વંશિકા હાલમાં LIC માં કાર્યરત છે અને તેણે મેલબોર્ન, ઓસ્ટ્રેલિયાથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
નોંધનીય છે કે આ જોડીએ 4 જૂને લખનૌમાં સગાઈ કરી હતી. અગાઉ લગ્ન નવેમ્બર મહિનામાં યોજાવાના હતા, પરંતુ 2026 T20 વર્લ્ડ કપના વ્યસ્ત શેડ્યૂલને કારણે તેને મુલતવી રાખીને હવે 14 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે.
લખનૌમાં યોજાશે ભવ્ય રિસેપ્શન
મસૂરીમાં લગ્ન બાદ 17 માર્ચે લખનૌની હોટેલ સેન્ટ્રમમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજરી આપશે તેવી અપેક્ષા છે. કુલદીપે થોડા દિવસો પહેલા જ મુખ્યમંત્રીની મુલાકાત લઈને તેમને લગ્નનું સત્તાવાર આમંત્રણ પાઠવ્યું હતું.
