Kris Srikkanth On Vaibhav Suryavanshi: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક ઓપનર ક્રીસ શ્રીકાંતે ભારતના 15 વર્ષીય યુવા ક્રિકેટ સેન્સેશન વૈભવ સૂર્યવંશીના મુક્તકંઠે વખાણ કર્યા છે. શ્રીકાંતનું માનવું છે કે વૈભવમાં વિશ્વ ક્રિકેટના મહાન ખેલાડીઓની હરોળમાં સ્થાન મેળવવાની અને રમતમાં એક નવો જ રોમાંચ લાવવાની અદભુત ક્ષમતા છે. અંડર-19 વર્લ્ડ કપ, આઈપીએલ અને સ્થાનિક ક્રિકેટમાં સસરાતાર દેખાવ કર્યા બાદ તાજેતરમાં દુલીપ ટ્રોફીમાં અડધી સદી ફટકારીને વૈભવે 57 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
માત્ર આંકડા નહીં, વૈભવનો પ્રભાવ જ અલગ છે
પોતાની યુટ્યુબ ચેનલ પર વાતચીત કરતા ક્રિસ શ્રીકાંતે જણાવ્યું હતું કે, યુવા ખેલાડી વૈભવનો પ્રભાવ માત્ર આંકડાઓ પૂરતો સીમિત નથી, પરંતુ તે લોકોને ટીવી સ્ક્રીન સામે જકડી રાખવાની તાકાત ધરાવે છે. શ્રીકાંતે કહ્યું, "વૈભવ સૂર્યવંશી અત્યંત શાનદાર રમત રમી રહ્યો છે. તેને સતત પ્રોત્સાહન મળવું જોઈએ. જો તે આ જ રીતે રમતો રહેશે તો ટૂંક સમયમાં જ સુપરસ્ટાર બની જશે. તે ફેન્સમાં ટેસ્ટ ક્રિકેટનો ક્રેઝ પાછો લાવી શકે છે. લોકો ખાસ તેને જોવા માટે જ મેચ જુએ છે. મારી પત્નીએ પણ તેના કારણે જ દુલીપ ટ્રોફીની મેચ જોઈ હતી."
દુલીપ ટ્રોફીમાં 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
દુલીપ ટ્રોફીની સેમિફાઇનલમાં ઇસ્ટ ઝોન તરફથી રમતા સેન્ટ્રલ ઝોન સામે વૈભવે પ્રથમ ઇનિંગમાં 92 રન અને બીજી ઇનિંગમાં 40 રન ની શાનદાર ઇનિંગ્સ રમી હતી. માત્ર 15 વર્ષ અને 157 દિવસની ઉંમરે અડધી સદી ફટકારીને તે દુલીપ ટ્રોફીના ઈતિહાસમાં ફિફ્ટી નોંધાવનાર સૌથી નાની વયનો બેટ્સમેન બન્યો છે.
બોલરોને રમકડા જેવા બનાવી દે છે
શ્રીકાંતે ઉમેર્યું કે વૈભવ ઉચ્ચ કક્ષાના ક્રિકેટ માટે સંપૂર્ણપણે તૈયાર છે અને તેના કૌશલ્ય પર કોઈએ શંકા કરવાની જરૂર નથી. તે સામે પક્ષે ગમે તેવો અનુભવી બોલર હોય તો પણ નિશ્ચિંત થઈને પોતાના શોટ્સ રમે છે, જેનાથી સામે પક્ષના બોલરો લાચાર દેખાય છે. આવનારા સમયમાં વૈભવ તમામ ફોર્મેટમાં વિશ્વ ક્રિકેટ પર રાજ કરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
