Jemimah Rodrigues Family Tree: ભારતીય ટીમે ફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને મહિલા ODI વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો. જેમાં 25 વર્ષની ઓલરાઉન્ડર જેમિમા રોડ્રિગ્સએ દેશનું ગૌરવ વધાર્યું છે. એક સમયે તેને ભારતીય ટીમની બહાર કરી દેવાઈ હતી, જો કે તેણે ફરી વાપસી કરી અને પોતાની જાતને સાબિત કરી. ચાલો જાણીએ શું કરે છે તેનો પરિવાર.
પિતા બન્યા નાનપણથી કોચ
જેમિમા રોડ્રિગ્સનો જન્મ 5 સપ્ટેમ્બર 2000ના રોજ મુંબઈમાં એક રોમન કેથોલિક પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ ઈવાન રોડ્રિગ્સ અને માતાનું નામ લવિતા છે. તેના બે ભાઈઓ છે, જેમના નામ એનોક અને એલી છે.
ઈવાન રોડ્રિગ્સ જેમિમાની શાળામાં જુનિયર કોચ હતા. તેના પિતા નાનપણથી તેને કોચિંગ આપી રહ્યા હતા. જેમિમાને ફિલ્ડ હોકી અને ક્રિકેટ રમવાનો શોખ હતો. જેમિમા તેના ભાઈઓ સાથે ક્રિકેટ રમતી હતી.
જેમિમાએ ફેબ્રુઆરી 2018માં માત્ર 17 વર્ષની ઉંમરે ભારત માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. શરૂઆતના દિવસોમાં તે ટીમમાં સૌથી નાની હોવાથી બધા તેને પ્રેમથી 'બેબી' કહીને બોલાવતા હતા. સફર સરળ નહોતી. તેને ટીમમાંથી બહાર પણ કરવામાં આવી અને ટીકાઓ પણ સહન કરવી પડી. જોકે જેમિમાએ ક્યારેય હાર ન માની. 2023 મહિલા ટી20 વિશ્વ કપ પછી તેને ટીમમાંથી બહાર કરાઈ હતી, જે તેમના માટે પડકારરૂપ ક્ષણ હતી. જોકે 2024માં તેણે ફરી એકવાર વાપસી કરી અને હવે તે ટીમનો મહત્ત્વનો ભાગ છે.
વિદેશી લીગે ઘણું શીખવાડ્યું
જેમિમાના કરિયરનો એક મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમણે ઇંગ્લેન્ડની કિઆ સુપર લીગમાં રમવાનું શરૂ કર્યું. આ વિદેશી ટી20 લીગમાં તેનો પહેલો અનુભવ હતો. તે માત્ર 18 વર્ષની હતી અને પહેલીવાર એકલા વિદેશમાં રહી હતી, જ્યાં તેમણે કપડાં ધોવા, રસોઈ બનાવવી અને મુસાફરીનો ખર્ચ પોતે જ મેનેજ કરવો પડતો હતો. જેમિમા માને છે કે આ અનુભવે તેને વધુ સ્વતંત્ર બનાવી અને એક વ્યક્તિ તરીકે ઘણું બદલી દીધું.
પિતા પર ગંભીર આરોપો લાગ્યા
આ સમગ્ર મામલો ઓક્ટોબર 2024માં સામે આવ્યો હતો, જ્યારે મુંબઈના પ્રતિષ્ઠિત જિમે જેમિમાનું માનદ સભ્યપદ રદ કરી દીધું હતું. આ કાર્યવાહી જેમિમાના વ્યક્તિગત આચરણને કારણે નહોતી, પરંતુ તેમના પિતા ઇવાન રોડ્રિગ્સ દ્વારા ક્લબ પરિસરમાં અનધિકૃત ધાર્મિક સભાઓ આયોજિત કરવાના આરોપોને કારણે થઈ હતી. ઇવાન રોડ્રિગ્સે 'બ્રધર મેન્યુઅલ મિનિસ્ટ્રીઝ' હેઠળ લગભગ 18 મહિનાના ગાળામાં 35 ધાર્મિક સભાઓનું આયોજન કર્યું હતું, જે ક્લબના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું
ક્રિકેટ કરિયર
- જેમિમાએ અત્યાર સુધી ભારત માટે 3 ટેસ્ટ, 58 વન-ડે અને 112 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. 3 મેચમાં 58.75ની સરેરાશથી 235 રન (2 અડધી સદી).
- 58 મેચમાં 35.20ની સરેરાશથી 1725 રન (3 સદી અને 8 અડધી સદી). ઓસ્ટ્રેલિયા સામેની હાલની 127 રનની અણનમ ઇનિંગ્સ
- તેની સર્વશ્રેષ્ઠ વન-ડે ઇનિંગ્સ છે. 112 મેચમાં 30.06ની સરેરાશ અને 116.47ના સ્ટ્રાઇક રેટથી 2375 રન (13 અડધી સદી).
