સનરાઈઝર્સ હૈદરાબાદને મોટો ઝટકો: ખતરનાક ઓપનિંગ જોડી તૂટી, ટ્રેવિસ હેડ IPL 2027માંથી રહેશે બહાર!

IPLમાં પોતાની આક્રમક અને તોફાનિ બેટિંગથી વિરોધી બોલરોના છગ્ગા છોડાવતી અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની વિસ્ફોટક ઓપનિંગ જોડી હવે આગામી સીઝનમાં મેદાન પર એકસાથે જોવા નહીં મળે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 17 Nov 2026 02:59 PM (IST)Updated: Tue, 17 Nov 2026 02:59 PM (IST)
ipl-2027-big-blow-to-sunrisers-hyderabad-travis-head-to-miss-next-ipl-season
ટ્રેવિસ હેડ IPL 2027

Travis Head IPL 2027: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સીઝન પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ની ટીમ માટે એક મોટા અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. IPLમાં પોતાની આક્રમક અને તોફાનિ બેટિંગથી વિરોધી બોલરોના છગ્ગા છોડાવતી અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની વિસ્ફોટક ઓપનિંગ જોડી હવે આગામી સીઝનમાં મેદાન પર એકસાથે જોવા નહીં મળે. ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બનેલી આ જોડી હવે અલગ થઈ રહી છે, કારણ કે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડે ટીમ મેનેજમેન્ટને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ IPLની આગામી સીઝન માટે ઉપલબ્ધ રહેશે નહીં.

વર્કલોડ મેનેજમેન્ટ અને વ્યસ્ત શિડ્યુલને કારણે લીધો મોટો નિર્ણય

ક્રિકેટ વેબસાઈટ ક્રિકઇન્ફો (Cricinfo) ના અહેવાલ મુજબ, ટ્રેવિસ હેડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના અત્યંત વ્યસ્ત કાર્યક્રમ અને ખેલાડીઓના વર્કલોડના સંચાલનને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય શિડ્યુલને જોતા ખેલાડીઓ માટે સતત ક્રિકેટ રમવું મુશ્કેલ બની રહ્યું છે, જેના કારણે હેડે આગામી IPL સીઝનથી દૂર રહેવાનું યોગ્ય માન્યું છે.

આજે 'રિટેન્શન લિસ્ટ' જાહેર થવાની છે અંતિમ તારીખ

મહત્વપૂર્ણ છે કે આજે જ તમામ IPL ફ્રેન્ચાઈઝીઓ માટે તેમના ખેલાડીઓને 'રિટેન' અને 'રિલીઝ' કરવાની યાદી જાહેર કરવાની અંતિમ તારીખ છે. આજ સાંજ સુધીમાં તમામ ટીમો પોતાના સત્તાવાર નિર્ણયો જાહેર કરી દેશે. આ સ્થિતિમાં હવે સૌની નજર તેના પર છે કે શું સનરાઈઝર્સ હૈદરાબાદ ટ્રેવિસ હેડને ટીમમાંથી રિલીઝ કરે છે કે કેમ. અગાઉ ગત વર્ષે ફ્રેન્ચાઈઝીએ હેડને ₹14 કરોડની માતબર રકમ આપીને રિટેન કર્યા હતા, અને તેમણે ટીમ માટે શાનદાર પ્રદર્શન પણ કર્યું હતું.

હૈદરાબાદ સામે નવો ઓપનર શોધવાનો મોટો પડકાર

અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની જોડીએ પાવરપ્લે દરમિયાન જે રીતે વિરોધી ટીમો પર પ્રહાર કર્યા હતા, તેને IPL ઇતિહાસની સૌથી ખતરનાક ઓપનિંગ જોડીઓમાં સ્થાન મળ્યું હતું. હેડની ગેરહાજરી સનરાઈઝર્સ હૈદરાબાદ માટે એક બહુ મોટો ફટકો સાબિત થઈ શકે છે. હવે ટીમ મેનેજમેન્ટ સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરવા માટે કયા નવા ખેલાડીને મેદાનમાં ઉતારવો. આ ખાલી જગ્યા ભરવા માટે આગામી ૧૬ ડિસેમ્બરે યોજાનારી મિની-હરાજી દરમિયાન હૈદરાબાદની ટીમે ભારે મહેનત કરવી પડશે અને અન્ય ખેલાડીઓ માટે સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

ઓસ્ટ્રેલિયન કોચે અગાઉ જ આપ્યા હતા સંકેત

આ સમગ્ર ઘટનાક્રમ પાછળ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની વ્યસ્ત રણનીતિ જવાબદાર હોવાનું જણાય છે. અગાઉ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડે સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે ઓસ્ટ્રેલિયાનું આંતરરાષ્ટ્રીય શિડ્યુલ ખૂબ જ ટાઈટ છે, કારણ કે ટીમ આ વર્ષે કુલ 20 ટેસ્ટ મેચ રમવાની છે. આ ભારે ભરખમ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને કારણે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ માટે IPL જેવી લીગમાં ભાગ લેવો મુશ્કેલ બન્યો છે અને તેઓ કદાચ તેને ઓછી પ્રાથમિકતા આપી શકે છે. હેડના આ નિર્ણયથી હૈદરાબાદના ચાહકોમાં નિરાશા ફેલાઈ ગઈ છે.