Yuzvendra Chahal, IPL 2026: આઈપીએલ 2026 ની 19મી સિઝનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આગામી 28 માર્ચથી શરૂ થનારી આ હાઈ-વોલ્ટેજ ટૂર્નામેન્ટ પહેલા ભારતના દિગ્ગજ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પોતાની પર્સનલ લાઈફ અને ફિટનેસને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. ચહલે જણાવ્યું છે કે તેણે પોતાની રમત અને શારીરિક ક્ષમતાને સર્વોચ્ચ સ્તરે લઈ જવા માટે દારૂ પીવાનું સંપૂર્ણપણે છોડી દીધું છે.
ફિટનેસ અને ટીમ માટે સર્વસ્વ આપવાની તૈયારી
દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન એબી ડી વિલિયર્સની યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન ચહલે આ મોટો ખુલાસો કર્યો હતો. હાલમાં પંજાબ કિંગ્સ (PBKS) ટીમનો હિસ્સો એવા ચહલે કહ્યું, 'મેં છેલ્લા 6 મહિનાથી વધુ સમયથી દારૂને સ્પર્શ પણ કર્યો નથી. હવે હું 35 વર્ષનો થઈ ગયો છું, તેથી મારે મારા શરીર પ્રત્યે વધુ સભાન રહેવાની જરૂર છે. હું મેદાન પર વધુ સક્રિય રહેવા માંગુ છું અને મારી ટીમ માટે 150% યોગદાન આપવા ઈચ્છું છું.'
તેણે વધુમાં ઉમેર્યું કે એક સિનિયર ખેલાડી તરીકે તે યુવા ખેલાડીઓ માટે ઉદાહરણ પૂરું પાડવા માંગે છે જેથી તેઓ પણ શિસ્તબદ્ધ જીવનશૈલીમાંથી કંઈક શીખી શકે. ઉલ્લેખનીય છે કે ચહલ IPL ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
ગઈ સીઝનની ફાઇનલ હારનો વસવસો
ગઈ સીઝનમાં પંજાબ કિંગ્સની ટીમ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) સામે માત્ર 6 રનથી ટાઇટલ ચૂકી ગઈ હતી. આ હાર અંગે વાત કરતા ચહલે સ્વીકાર્યું કે ફાઇનલમાં માર્કો જાનસેનની ગેરહાજરી ટીમને ભારે પડી હતી. જાનસેન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની તૈયારી માટે દક્ષિણ આફ્રિકા પરત ફર્યો હતો.
ઇજાગ્રસ્ત હોવા છતાં રમ્યો હતો ફાઇનલ
ચહલે પોતાના સ્વાસ્થ્ય અંગે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે તે પોતે પણ ગયા વર્ષે ફાઇનલ દરમિયાન સંપૂર્ણ ફિટ નહોતો. તેણે કહ્યું, 'KKR સામેની મેચ બાદ મને પાંસળીમાં ફ્રેક્ચર થયું હતું અને આંગળીના સાંધામાં પણ ઈજા હતી. આ ઈજાઓને કારણે હું ફાઇનલમાં મારી લેગ-સ્પિન ધારદાર રીતે નાખી શક્યો નહોતો, જેનો મને આજે પણ અફસોસ છે.'
