IPL 2026: ક્રિકેટના મહાકુંભનો 28 માર્ચથી પ્રારંભ, ઓપનિંગ મેચમાં ધોનીની CSK અને કોહલીની RCB ટકરાશે!

IPL 2026 Opening Match: વિશ્વની સૌથી લોકપ્રિય ટી-20 લીગ, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સીઝનને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 11 Mar 2026 10:47 AM (IST)Updated: Wed, 11 Mar 2026 10:47 AM (IST)
ipl-2026-opening-clash-likely-between-rcb-and-csk-at-chinnaswamy-stadium

IPL 2026 Opening Match: વિશ્વની સૌથી લોકપ્રિય ટી-20 લીગ, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સીઝનને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. BCCI આ વખતે ટૂર્નામેન્ટના ભવ્ય ઉદઘાટન માટે ખાસ તૈયારીઓ કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, IPL 2026 ની બ્લોકબસ્ટર ઓપનિંગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામસામે ટકરાશે.

બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જંગ

સામાન્ય રીતે નવી સીઝનની પ્રથમ મેચ ગત વર્ષની ચેમ્પિયન અને રનર-અપ ટીમો વચ્ચે રમાતી હોય છે, પરંતુ આ વખતે BCCI એ પરંપરા તોડીને ફેન્સની ફેવરિટ એવી CSK અને RCB વચ્ચે મેચ યોજવાનો નિર્ણય લીધો હોવાનું મનાય છે. આ હાઈ-વોલ્ટેજ મેચ 28 માર્ચના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. વધુમાં, પંજાબ કિંગ્સ તેની પ્રથમ મેચ 29 માર્ચના રોજ મુલ્લાનપુરમાં ગુજરાત ટાઇટન્સ સામે રમે તેવી શક્યતા છે.

ચૂંટણીને કારણે બે તબક્કામાં જાહેર થશે શેડ્યૂલ

દેશના પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, BCCI આ વર્ષે IPL નું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ, બોર્ડ 12 માર્ચના રોજ પ્રથમ 20 મેચોનું શેડ્યૂલ જાહેર કરી શકે છે. બાકીની મેચોની વિગતો ચૂંટણીની તારીખો સાથે સુમેળ સાધીને પછીથી જાહેર કરવામાં આવશે.

કેપ્ટન અને કોચની મહત્વની બેઠક

ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં, BCCI એ તમામ ફ્રેન્ચાઇઝીઓને મહત્વની સૂચના આપી છે. તમામ ટીમોના કેપ્ટનોનું સત્તાવાર ફોટોશૂટ 15 માર્ચના રોજ નવી દિલ્હીમાં યોજાશે. 25 માર્ચના રોજ મુંબઈમાં તમામ કેપ્ટનો અને કોચની વાર્ષિક બેઠક યોજાશે, જેમાં ટૂર્નામેન્ટના નિયમો અને સંભવિત ફેરફારો અંગે ચર્ચા કરવામાં આવશે.