LSG vs DC Match Preview: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં આજે બુધવારે લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રોમાંચક મુકાબલો રમાશે. આ સિઝનની પ્રથમ મેચમાં બંને ટીમો જીત સાથે શરૂઆત કરવા આતુર છે. જોકે, છેલ્લા બે વર્ષના આંકડા જોતા દિલ્હીનું પલ્લું થોડું ભારે દેખાઈ રહ્યું છે, કારણ કે ગત સીઝનમાં રમાયેલી બંને મેચોમાં દિલ્હીએ લખનૌને પરાજય આપ્યો હતો.
કેપ્ટન ઋષભ પંત માટે સાબિતીની ક્ષણ
આ મેચમાં સૌથી વધુ ચર્ચા લખનૌના નવા કેપ્ટન ઋષભ પંતની થઈ રહી છે. ₹27 કરોડની માતબર રકમમાં ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા પંત માટે ગત સીઝન આંકડાકીય રીતે ઘણી નિરાશાજનક રહી હતી. તેણે 14 ઇનિંગ્સમાં 24 ની સરેરાશ અને 133 ના સ્ટ્રાઇક રેટથી માત્ર 269 રન બનાવ્યા હતા. જોકે, આ વખતે પંત પૂરા આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે. તે છેલ્લા 12 દિવસથી લખનૌમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે અને સ્થાનિક પિચની સ્થિતિથી સારી રીતે વાકેફ છે. પ્રેક્ટિસ મેચમાં તેના ફોર્મે વિરોધી ટીમો માટે ચેતવણીના સંકેત આપ્યા છે.
ટીમ કોમ્બિનેશન: કોણ કોના પર ભારે?
લખનૌ સુપર જાયન્ટ્સ
ટીમ પાસે મિશેલ માર્શ, એડન માર્કરામ અને જોશ ઇંગ્લિસ જેવા આક્રમક બેટ્સમેનો છે. મધ્યમ ક્રમમાં નિકોલસ પૂરન રમત પલટાવવાની ક્ષમતા ધરાવે છે. બોલિંગમાં મોહમ્મદ શમી, અવેશ ખાન અને એનરિચ નોર્ટજેની અનુભવી પેસ એટેક સાથે મયંક યાદવની ગતિ ટીમનું મુખ્ય હથિયાર રહેશે. સ્પિનની જવાબદારી હસરંગા અને યુવા લેગ-સ્પિનર દિગ્વેશ રાઠી સંભાળશે.
દિલ્હી કેપિટલ્સ
દિલ્હીની ટીમ અત્યંત સંતુલિત જણાય છે. કેએલ રાહુલનું ગત સીઝનનું ફોર્મ (13 મેચમાં 539 રન) ટીમ માટે પ્લસ પોઈન્ટ છે. પૃથ્વી શો અને અભિષેક પોરેલ ટોપ ઓર્ડરમાં મજબૂતી આપશે. મધ્યમ ક્રમમાં ડેવિડ મિલર અને ટ્રિસ્ટન સ્ટબ્સના આવવાથી ટીમની બેટિંગ ઉંડી થઈ છે. બોલિંગમાં કુલદીપ યાદવ અને કેપ્ટન અક્ષર પટેલ સ્પિન આક્રમણનું નેતૃત્વ કરશે, જોકે મિશેલ સ્ટાર્કની ગેરહાજરી ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે.
LSG vs DC હેડ-ટુ-હેડ આંકડા
IPL ઇતિહાસમાં બંને ટીમો અત્યાર સુધી 7 વાર આમને-સામને આવી છે, જેમાં દિલ્હીએ 4 અને લખનૌએ 3 મેચ જીતી છે. એકાના સ્ટેડિયમમાં ઘરઆંગણાનો ફાયદો લખનૌ પાસે હોવા છતાં, દિલ્હીની લય તેમને મજબૂત દાવેદાર બનાવે છે.
Lucknow Super Giants IPL 2026 Squad । LSG 2026 ની સંપૂર્ણ ટીમ
ઋષભ પંત (કેપ્ટન), અબ્દુલ સમદ, આયુષ બદોની, એડન માર્કરામ, મેથ્યુ બ્રેટ્ઝકે, હિમ્મત સિંહ, નિકોલસ પૂરન, મિશેલ માર્શ, શાહબાઝ અહેમદ, અર્શિન કુલકર્ણી, મયંક યાદવ, અવેશ ખાન, મોહસીન ખાન, મણિમારન સિદ્ધાર્થ, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, આકાશ સિંહ, અર્જુન તેંડુલકર, મોહમ્મદ શમી, વાનિન્દુ હસરાંગા, એનરિચ નોર્ટજે, મુકુલ ચૌધરી, નમન તિવારી, અક્ષત રઘુવંશી અને જોશ ઈંગ્લિસ.
Delhi Capitals IPL 2026 Squad । DC 2026 ની સંપૂર્ણ ટીમ
અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ, અભિષેક પોરેલ, ટ્રીસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, કરુણ નાયર, કુલદીપ યાદવ, મિશેલ સ્ટાર્ક, ટી નટરાજન, મુકેશ કુમાર, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, માધવ તિવારી, ત્રિપુરાણા વિજય, અજય મંડલ, દુષ્મંથા ચમીરા, ડેવિડ મિલર, બેન ડકેટ, આકિબ દાર, પથુમ નિસાન્કા, લુંગી ન્ગીડી, સાહિલ પારેખ, પૃથ્વી શો અને કાયલ જેમીસન.
