IPL 2026: શું ઋષભ પંત અને સંજીવ ગોયન્કા વચ્ચે ખરેખર વિવાદ થયો? લખનૌ સુપર જાયન્ટ્સે નવો વીડિયો જાહેર કર્યો

મેચમાં લખનૌની હાર બાદ મેદાન પર જ માલિક સંજીવ ગોયન્કા, કેપ્ટન ઋષભ પંત અને હેડ કોચ જસ્ટિન લેંગર સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

By: Jagran GujaratiPublish Date: Fri, 03 Apr 2026 01:10 PM (IST)Updated: Fri, 03 Apr 2026 01:12 PM (IST)
ipl-2026-lsg-share-true-story-video-behind-sanjiv-goenka-and-rishabh-pant-controversy

Rishabh Pant IPL 2026: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની શરૂઆત લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે વિવાદો સાથે થઈ છે. 1 April ના રોજ લખનૌના ઈકાના સ્ટેડિયમમાં રમાયેલી સીઝનની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે મળેલી 6 વિકેટની હાર બાદ ટીમ માલિક સંજીવ ગોયન્કા અને કેપ્ટન ઋષભ પંત વચ્ચેની વાતચીતનો મામલો ગરમાયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી તસવીરો

મેચમાં લખનૌની હાર બાદ મેદાન પર જ માલિક સંજીવ ગોયન્કા, કેપ્ટન ઋષભ પંત અને હેડ કોચ જસ્ટિન લેંગર સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. કેટલીક વાયરલ તસવીરો અને ટૂંકી વીડિયો ક્લિપ્સમાં સંજીવ ગોયન્કા ગંભીર અને નારાજ હોય તેવું દેખાતું હતું. આ દ્રશ્યો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સને વર્ષ 2024 માં કેએલ રાહુલ અને ગોયન્કા વચ્ચે થયેલો વિવાદ યાદ આવી ગયો હતો, જેને કારણે ગોયન્કાને ભારે ટ્રોલ કરવામાં આવ્યા હતા.

લખનૌ સુપર જાયન્ટ્સની સ્પષ્ટતા અને નવો વીડિયો

વિવાદ વધતા જોઈ લખનૌ સુપર જાયન્ટ્સે હકીકત સ્પષ્ટ કરવા માટે સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં તે જ વાતચીતના બીજા એંગલ બતાવવામાં આવ્યા છે, જેમાં ઋષભ પંત અને સંજીવ ગોયન્કા એકબીજા સાથે હસતા-મુસ્કુરાતા અને ગળે મળતા જોવા મળે છે. વીડિયોમાં કોચ લેંગર પણ સહજ અંદાજમાં દેખાઈ રહ્યા છે.

ટીમે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, "તમે જે કંઈ પણ જુઓ છો, તે હંમેશા પૂરી સત્યતા હોતી નથી. અહીં મેચ બાદના એવા ક્ષણો છે જ્યારે કેમેરા બંધ નથી હોતા." આ સ્પષ્ટતા દ્વારા ટીમે એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે માલિક અને કેપ્ટન વચ્ચે કોઈ તણાવ નથી અને સોશિયલ મીડિયા પર ફેલાયેલી વાતો માત્ર એક અધૂરી માહિતી હતી.

સફાઈ છતાં ફેન્સ હજુ પણ કરી રહ્યા છે ટ્રોલ

જોકે, ટીમની આ સફાઈ છતાં ફેન્સ માનવા તૈયાર નથી. ઘણા યુઝર્સે આ વીડિયોને 'ડેમેજ કંટ્રોલ' અથવા 'સ્ક્રિપ્ટેડ' ગણાવ્યો છે. એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે, "લાગે છે કે આ શૂટિંગ કરવા માટે પંતને હોટલના રૂમમાંથી પાછો બોલાવવામાં આવ્યો હશે." અન્ય કેટલાક લોકોએ આને છબી સુધારવાનો પ્રયાસ ગણાવ્યો છે.

મેચમાં શું થયું હતું

આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. લખનૌની ટીમ નિર્ધારિત ઓવરમાં માત્ર 141 રન જ બનાવી શકી હતી. દિલ્હીએ 142 રનનો લક્ષ્યાંક 6 વિકેટ બાકી રાખીને સરળતાથી પાર પાડી લીધો હતો અને સીઝનની જીત સાથે શરૂઆત કરી હતી.