અમદાવાદમાં RCBનો દબદબો, ગુજરાત ટાઇટન્સને પછાડી બેંગલુરુએ સતત બીજી વાર આઇપીએલ ટ્રોફી જીતી

IPL 2026 ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી વખત આઇપીએલ ટ્રોફી પર કબજો કર્યો છે. વિરાટ કોહલીએ અણનમ 75 રન બનાવ્યા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 31 May 2026 11:57 PM (IST)Updated: Mon, 01 Jun 2026 01:07 AM (IST)
ipl-2026-final-rcb-dominates-in-ahmedabad-bengaluru-beats-gujarat-titans-to-win-ipl-trophy-for-second-consecutive-time

IPL 2026 Final: ક્રિકેટના સૌથી મોટા મહાકુંભ IPL 2026નો ક્લાઇમેક્સ અત્યંત રોમાંચક રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી હાઇ-વોલ્ટેજ ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ હોમ ટીમ ગુજરાત ટાઇટન્સ (GT)ને 5 વિકેટે હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ જીત સાથે રજત પાટીદારની આગેવાની હેઠળની RCBએ સતત બીજી વખત આઇપીએલ ટ્રોફી પોતાના નામે કરી છે. આઇપીએલના ઇતિહાસમાં સતત બે વાર ટાઇટલ ડિફેન્ડ કરનારી બેંગલુરુ હવે ચેન્નાઈ સુપર કિંગ્સ (2010, 2011) અને મુંબઈ ઇન્ડિયન્સ (2019, 2020) પછી ત્રીજી ટીમ બની ગઈ છે.

બોલર્સના શાનદાર પ્રદર્શન સામે ગુજરાત નબળું પડ્યું

મેચમાં ટોસ જીતીને બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદની પીચ લાલ અને કાળી માટીનું મિશ્રણ હોવાથી બેટ્સમેનો માટે આસાન નહોતી. RCBના બોલર્સે આ પરિસ્થિતિનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. જોશ હેઝલવુડ (2/29) અને ભુવનેશ્વર કુમાર (2/37)ની આગેવાનીમાં ધારદાર બોલિંગ આક્રમણ સામે ગુજરાતના બેટ્સમેનો રન બનાવવા માટે ઝઝૂમતા દેખાયા હતા.

આ સીઝનમાં 700થી વધુ રન બનાવનાર ગુજરાતના બંને ઓપનરો - કેપ્ટન શુભમન ગિલ (10 રન) અને સાઈ સુદર્શન (12 રન) ફાઇનલના મોટા મંચ પર ફ્લોપ સાબિત થયા હતા. પાવરપ્લે પૂરો થયો ત્યાં સુધીમાં ગુજરાતે 45 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. મિડલ ઓર્ડરમાં વોશિંગ્ટન સુંદરે એકલા હાથે લડત આપતા 37 બોલમાં 50 રનની અર્ધસદી ફટકારી હતી, જેના કારણે ગુજરાત ટાઇટન્સ 20 ઓવરમાં 8 વિકેટે 155 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું.

વિરાટ કોહલીની તોફાની ઇનિંગ્સ અને વિજયી ટાર્ગેટ

156 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત તોફાની રહી હતી. ઓપનર વિરાટ કોહલી અને વેંકટેશ અય્યરે માત્ર 3.3 ઓવરમાં જ ટીમના 50 રન બોર્ડ પર લગાવી દીધા હતા. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 62 રનની ભાગીદારી થઈ હતી. વેંકટેશ અય્યર 32 રન બનાવી મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો.

ત્યારબાદ કગિસો રબાડાએ દેવદત્ત પડિક્કલ (1) ને આઉટ કર્યો અને 9મી ઓવરમાં રાશિદ ખાને બેવડો ઝટકો આપીને કેપ્ટન રજત પાટીદાર તેમજ ક્રુણાલ પંડ્યાને સસ્તામાં પેવેલિયન ભેગા કરી ગુજરાતની મેચમાં વાપસી કરાવી હતી.

જોકે, એક છેડેથી કિંગ કોહલી ખડકની જેમ અડગ રહ્યો હતો. કોહલીએ માત્ર 25 બોલમાં પોતાની આઇપીએલ કરિયરની સૌથી ઝડપી અર્ધસદી ફટકારીને ગુજરાતના બોલરો પર દબાણ જાળવી રાખ્યું હતું. વિરાટે 42 બોલમાં અણનમ 75 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમીને 18 ઓવરમાં જ 5 વિકેટ ગુમાવીને ટીમને જીત અપાવી દીધી હતી. આ શાનદાર પ્રદર્શન સાથે આરસીબીના ચાહકોનું ઈ સાલા કપ નામડૂનું સપનું સતત બીજી વાર સાકાર થયું છે.