Cameron Green, IPL 2026 Auction: કેમેરોન ગ્રીન બન્યો સૌથી મોંઘો વિદેશી ખેલાડી, KKR ફ્રેન્ચાઈઝીએ રૂ.25.20 કરોડમાં ખરીદ્યો

2025માં કેમરુન ગ્રીન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમમાં હતા. જો કે ઈજાના કારણે એકપણ મેચ રમી શક્યો નહતો. આમ છતાં ગ્રીનની ગેરહાજરીમાં RCBની ટીમ ખિતાબ જીતી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 16 Dec 2025 04:17 PM (IST)Updated: Tue, 16 Dec 2025 04:17 PM (IST)
ipl-2026-auction-cameron-green-bid-update-base-price-latest-news-in-gujarati
HIGHLIGHTS
  • 2023માં કેમરુન ગ્રીન મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો હતો

IPL 2026 Auction, Cameron Green: IPL 2026ની મેગા હરાજી અપેક્ષા મુજબ જ થઈ છે. જેમાં અનુભવી ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન પર પૈસાનો વરસાદ થયો.

ગ્રીનની આ ફક્ત ત્રીજો IPL સિઝન છે, અને તે આ સિઝનનો સૌથી વધુ ડિમાન્ડમાં હોય તેવો ખેલાડી બની ગયો છે. માત્ર 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ સાથે ઉતરેલા કેમરોન ગ્રીન પાછળ તમામ ફ્રેન્ચાઈઝીઓ હાથ ધોઈને પડી હતી. આખરે કોલકાતા નાઈટ રાઈડર્સે બાજી મારી લીધી.

KKR ફ્રેન્ચાઈઝીએ કેમરોન ગ્રીનને રૂ.25.20 કરોડ (અંદાજે 2.5 મિલિયન ડૉલર)માં ખરીદ્યો હતો. ગ્રીન બોલિંગ કરશે કે કેમ તેને લઈને અસમજસની સ્થિતિ હતી, પરંતુ આખરે તેણે સ્પષ્ટતા કરી હતી કે તે બૉલિંગ કરશે. જેના કારણે તેની વેલ્યૂ અને ડિમાન્ડ વધી ગઈ હતી, કારણ કે T20 ક્રિકેટમાં ઑલરાઉન્ડર ખેલાડીઓને વધારે પ્રાથમિક્તા આપવામાં આવે છે.

મુંબઈ ઈન્ડિયન્સે ગ્રીન માટે સૌ પ્રથમ બોલી લગાવી હતી. જો કે પાછળથી રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ગ્રીનની બોલીને લઈને રસાકસી જોવા મળી હતી. રૂ.13.60 લાખ રૂપિયાની બોલી લગાવીને રાજસ્થાન રૉયલ્સની ફ્રેન્ચાઈઝી પીછેહઠ કરી દીધી હતી. જે બાદ એવું લાગતું હતું કે, KKR ગ્રીનને ખરીદી લેશે. જો કે ખરા સમયે ચેન્નાઈ સુપર કિંગ્સની ફ્રેન્ચાઈઝી પણ ગ્રીનને ખરીદવામાં રસ દાખવ્યો. જેના કારણે ગ્રીનની બોલી રૂ. 20 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી. ખાસ વાત એ છે કે, CSK ફ્રેન્ચાઈઝીએ ક્યારેય કોઈ ખેલાડી માટે આટલી મોટી બોલી લગાવી નથી.

આમ કેમરોન ગ્રીનની બૉલી ઝડપથી 25 કરોડ રૂપિયાને વટાવી ગઈ હતી. આ સાથે જ ગ્રીન IPLના ઈતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો છે. આખરે KKR ફ્રેન્ચાઈઝીએ બાજી મારી દીધી.

બે સિઝનમાં ગ્રીનનું શાનદાર પર્ફોમન્સ
ગ્રીનને 2023માં મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો હતો. આ સિઝનમાં મુંબઈએ ગ્રીન માટે 17.50 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ સિઝનમાં ગ્રીને 16 મેચ રમી અને 452 રન બનાવ્યા, જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. 2024માં મુંબઈએ ગ્રીનને RCB સાથે ટ્રેડ કર્યો. આ સિઝનમાં ગ્રીને 13 મેચ રમી અને 255 રન બનાવ્યા. તેણે આ સિઝનમાં એક પણ અડધી સદી ફટકારી નહતી. 2025માં ગ્રીન ઈજાને કારણે રમ્યો ન હતો અને તેની ગેરહાજરીમાં RCB એ IPL જીતી હતી.

તેથી આટલી મોટી કિંમત
આ સિઝનમાં ગ્રીન મોટી કમાણી કરશે તેવી અપેક્ષા હતી કારણ કે તેની રમતમાં સુધારો થયો છે અને ઘણી ટીમો પાસે તેના જેવો ઓલરાઉન્ડર નથી, જેના કારણે ગ્રીનનું મહત્વ વધ્યું.