IND W vs ZIM W: શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાનું ધમાકેદાર પ્રદર્શન, ભારતે ઝિમ્બાબ્વે સામે પ્રથમવાર જીતી T20I સિરીઝ

ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે ટીમને બીજી મેચમાં હરાવી T20 સિરીઝમાં 2-0 થી સરસાઈ મેળવી લીધી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 19 Oct 2026 09:13 AM (IST)Updated: Mon, 19 Oct 2026 09:13 AM (IST)
india-women-vs-zimbabwe-women-t20i-series-shefali-verma-smriti-mandhana-raipur-match

IND W vs ZIM W: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20I સિરીઝની બીજી મેચ રાયપુરમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 9 વિકેટે જીત હાંસલ કરીને સિરીઝમાં 2-0 ની અજય સરસાઈ મેળવી લીધી છે. આ સાથે જ ભારતીય મહિલા ટીમે પહેલીવાર ઝિમ્બાબ્વે સામે T20 સિરીઝ જીતી છે. શેફાલી વર્મા અને કેપ્ટન સ્મૃતિ મંધાનાના ધમાકેદાર પ્રદર્શનના દમ પર ભારતીય ટીમે ઝિમ્બાબ્વેને બીજી T20 મેચમાં હરાવ્યું છે.

ટીમ ઈન્ડિયાએ પહેલી મેચમાં ચાર વિકેટે જીત હાંસલ કરી હતી અને હવે બીજો મુકાબલો પણ પોતાના નામે કરી લીધો છે. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ભારતીય બોલરોનો દબદબો રહ્યો હતો. ઝિમ્બાબ્વેની ટીમ પહેલા બેટિંગ કરતા 102 રન જ બનાવી શકી, અને ટીમ ઈન્ડિયાએ આ મેચને નવ વિકેટે પોતાના નામે કરી લીધી હતી.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમે ધીમી શરૂઆત કરી. ઓપનિંગ બેટ્સમેન કેલિસ નધલોવુ 11 બોલ રમી અને શૂન્યમાં આઉટ થઈ હતી. Beloved Biza પણ મોટો સ્કોર બનાવી શકી નહોતી અને 13 બોલમાં સાત રન બનાવી આઉટ થઈ ગઈ હતી. ભારત સામે ઝિમ્બાબ્વે ટીમ સંઘર્ષ કરતી જોવા મળ. ભારતીય બોલરોએ શરૂઆતથી જ દબાણ જાળવી રાખ્યું અને ઝિમ્બાબ્વે ટીમનેખુલીને રમવાની તક આપી નહોતી.

સંઘર્ષ કરી રહેલી ઝિમ્બાબ્વેની ટીમને ચિપો મુંગેરી-તિરિપાનો (Chipo Mugeri-Tiripano) અને કેપ્ટન જોસેફિન નકોમોએ સહકાર આપ્યો, પરંતુ તેઓ પણ મોટો સ્કોર બનાવી શકી નહોતી. મુગેરી-તિરિપાનોએ 34 રન, જ્યારે નકોમોએ 27 રનની ઈનિંગ્સ રમી હતી. આ બંને સિવાય ઝિમ્બાબ્વેની અન્ય કોઈ પણ બેટ્સમેન બે આંકડાના સ્કોરને પણ સ્પર્શી શકી નહોતી. ઝિમ્બાબ્વે ટીમે 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાને 102 રન બનાવ્યા હતા.

ઝિમ્બાબ્વે સામે ભારતીય બોલરોએ કમાલ કરી બતાવી હતી. નિકી પ્રસાદે બે ઓવરમાં સાત રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેમના સિવાય ક્રાંતિ ગૌડ, નંદિની શર્મા, દીપ્તિ શર્મા અને શ્રીચરણિને પણ એક-એક સફળતા મળી હતી. બીજી તરફ ઝિમ્બાબ્વે ટીમ સામે 103 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ જોરદાર શરૂઆત કરી હતી.

ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્માએ ભારતને પોતાના જાણીતા અંદાજમાં તાબડતોબ શરૂઆત અપાવી હતી. પાવરપ્લેમાં જ ટીમ ઈન્ડિયાએ 76 રન ફટકારી દીધા હતા. ભારતીય કેપ્ટન સ્મૃતિ મંધાનાએ પહેલા સધિયારી શરૂઆત કરી હતી. એકવાર ક્રીઝ પર સેટ થયા બાદ તેમણે પણ મોટા શોટ રમવાના શરૂ કરી દીધા હતા.

શેફાલીએ શરૂઆતથી જ આક્રમક વલણ જાળવી રાખ્યું અને અડધી સદી ફટકારી હતી. તેણે 25 બોલમાં 55 રનની ઈનિંગ્સ રમી, જેમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ હતા. બીજી તરફ સ્મૃતિ મંધાના અડધી સદી બનાવી શકી નહોતી અને 47 રન બનાવીને અણનમ રહી હતી. ટીમ ઈન્ડિયાએ 103 રનના લક્ષ્યાંકને 8.5 ઓવરમાં એક વિકેટના નુકસાને સહેલાઈથી હાંસલ કરી લીધો હતો. આ સાથે જ ભારતે શ્રેણીમાં 2-0 થી અજય સરસાઈ મેળવી લીધી છે.