Dhruv Jurel Century: ધ્રુવ જુરેલની ધમાકેદાર સદી, વેસ્ટ ઈન્ડિઝ સામે ફટકારી આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ શતક

ઋષભ પંતની ઈજાને કારણે ધ્રુવ જુરેલને આ ટેસ્ટ શ્રેણીમાં તક મળી છે અને તેણે સીરિઝની શરૂઆત શાનદાર સદી સાથે કરી છે. આ જુરેલના આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ સદી છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 03 Oct 2025 04:34 PM (IST)Updated: Fri, 03 Oct 2025 04:34 PM (IST)
india-vs-west-indies-1st-test-day-2-dhruv-jurel-hits-century-at-narendra-modi-stadium-ahmedabad

Dhruv Jurel Century, IND vs WI 1st Test: ટીમ ઈન્ડિયામાં લાંબા સમય સુધી રમવાની ઈચ્છા હોય તો દરેક તકનો લાભ ઉઠાવવો ખૂબ જ જરૂરી હોય છે. યુવા વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલે આ વાતને સાબિત કરી બતાવી છે. ઋષભ પંતની ગેરહાજરીમાં ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવનાર જુરેલે મળેલી તકને ગુમાવવાને બદલે તેનો પૂરો ફાયદો ઉઠાવીને શાનદાર સદી ફટકારી દીધી છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અમદાવાદ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં જુરેલે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ સદી ફટકારી હતી.

ધ્રુવ જુરેલની શાનદાર સદી

મેચના બીજા દિવસે પ્રથમ સેશનમાં જ્યારે કેપ્ટન શુભમન ગિલના આઉટ થયા બાદ ધ્રુવ જુરેલ બેટિંગ માટે મેદાનમાં ઉતર્યો હતો. મેદાન પર આવ્યા પછી જુરેલે પહેલા કેએલ રાહુલને તેની સદી પૂરી કરતા જોયો અને પછી પોતે પણ પોતાની સદી ફટકારી. જુરેલે દિવસના ત્રીજા સેશનમાં ચોગ્ગો ફટકારીને 190 બોલમાં પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ સદી પૂરી કરી. પોતાની આ શાનદાર ઈનિંગ દરમિયાન તેણે 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

ધ્રુવ જુરેલે બનાવ્યા રેકોર્ડ

આ સદી સાથે જ ધ્રુવ જુરેલ ભારત માટે ટેસ્ટ સદી ફટકારનાર 12મો વિકેટકીપર-બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા વિજય માંજરેકર, સૈયદ કિરમાણી, અજય રાત્રા, દીપદાસ ગુપ્તા, એમએસ ધોની, નયન મોંગિયા, રિદ્ધિમાન સાહા અને ઋષભ પંત જેવા દિગ્ગજ વિકેટકીપરો આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

એટલું જ નહીં જુરેલ ભારતનો પાંચમો એવો વિકેટકીપર-બેટ્સમેન બન્યો છે જેણે પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ સદી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ફટકારી હોય. આ પહેલા વિજય માંજરેકર, ફારુખ એન્જિનિયર, અજય રાત્રા અને રિદ્ધિમાન સાહાએ પોતાની પ્રથમ ટેસ્ટ સદી કેરેબિયન ટીમ વિરુદ્ધ જ ફટકારી હતી.