Dhruv Jurel Century: શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય યુવા ક્રિકેટર ધ્રુવ જુરેલે પોતાની શાનદાર બેટિંગથી માત્ર ભારતીય ટીમની સ્થિતિ મજબૂત નથી કરી, પરંતુ પોતાના સેલિબ્રેશનથી કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલ પણ જીતી લીધા છે. કોલંબોના મેદાન પર રમાઈ રહેલી આ મેચમાં જુરેલે ટેસ્ટ કરિયરની પોતાની બીજી અણનમ સદી (115*) ફટકારી હતી. જોકે, સદી કરતાં પણ વધુ ચર્ચા જુરેલના તે ખાસ અંદાજની થઈ રહી છે, જે તેણે સેન્ચુરી પૂરી કર્યા બાદ મેદાન પર દર્શાવ્યો હતો.
હાથ પરનું ટેટૂ બતાવી કર્યું ખાસ સેલિબ્રેશન
ધ્રુવ જુરેલે જેવા પોતાના 100 રન પૂરા કર્યા, તેણે હેલ્મેટ ઉતારીને પોતાની બાંય ઉપર કરી અને હાથ પર છુંદાવેલું 'જય જવાન, જય કિસાન'નું ટેટૂ કેમેરા અને સ્ટેન્ડ્સ તરફ દર્શાવ્યું હતું. આ ક્ષણ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચાહકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
દિવસની રમત પૂરી થયા બાદ પત્રકારો સાથે વાત કરતા જુરેલે આ વાયરલ સેલિબ્રેશન પાછળનું ઈમોશનલ રહસ્ય ખોલ્યું હતું. તેણે કહ્યું કે- મારા દાદા જમીન સાથે જોડાયેલા એક ખેડૂત હતા અને મારા પિતા દેશની સેવા કરનારા સોલ્જર (સૈનિક) છે. હું ભલે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આટલા મોટા મંચ પર પહોંચ્યો હોઉં, પણ હું મારી પૃષ્ઠભૂમિ અને મૂળ ક્યારેય ભૂલવા નથી માગતો. મારી આ ઈનિંગ અને આ સેલિબ્રેશન મારા દાદા અને પિતાના ત્યાગને સમર્પિત હતું.
ઋષભ પંત સાથે શાનદાર બેટિંગ
ઈનિંગ દરમિયાન વરસાદના કારણે વારંવાર રમત રોકવી પડી હતી, જેનાથી બેટ્સમેનની એકાગ્રતા તૂટવાનું જોખમ રહેતું હોય છે. પરંતુ જુરેલે અત્યંત સંયમપૂર્વક બેટિંગ કરી હતી. વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત સાથે મળીને જુરેલે સાતમી વિકેટ માટે 112 રનની અત્યંત મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. જુરેલે 177 બોલનો સામનો કરીને 9 ચોગ્ગા અને 2 આકાશી છગ્ગાની મદદથી 115 રનની અણનમ ઈનિંગ રમી હતી.
પોતાની માનસિકતા વિશે વાત કરતા જુરેલે ઉમેર્યું કે- મને રોકાઈ-રોકાઈને રમત શરૂ કરવાની આદત છે. જ્યારે તમે ભારતની જર્સી પહેરીને મેદાન પર ઉતરો છો, ત્યારે થોડું ટેન્શન અને દબાણ હોવું સ્વાભાવિક છે. પરંતુ મારું ધ્યાન માત્ર ટીમ માટે મોટી ભાગીદારી નોંધાવવા પર જ હતું. આજે સદી બની ગઈ એ સારી વાત છે, પરંતુ ક્રિકેટનો નિયમ છે કે કાલે સવારે તમારે ફરીથી શૂન્યથી જ શરૂઆત કરવી પડે છે.
ટીમ ઈન્ડિયાનો સિકંજો: 503 રને ડિકલેર, શ્રીલંકા સંકટમાં
જુરેલની બેટિંગના દમ પર ભારતે પોતાની પ્રથમ ઈનિંગ 138 ઓવરમાં 9 વિકેટના નુકસાને 503 રન બનાવીને ડિકલેર કરી હતી. મોટા લક્ષ્યાંક સામે બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી. બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં શ્રીલંકાએ માત્ર 3 ઓવરમાં 8 રન બનાવીને 2 મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી છે.
ભારત તરફથી ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ઓપનર લાહિરુ ઉદારા (1)ને આઉટ કર્યો હતો, જ્યારે સ્પિનર માનવ સુથારે પ્રભાત જયસૂર્યા (2)ને પેવેલિયન ભેગો કર્યો હતો. શ્રીલંકન ટીમ હજુ પણ ભારતથી 495 રન પાછળ છે અને તેની 8 વિકેટ બાકી છે. મેચ પર હાલ સંપૂર્ણપણે ટીમ ઈન્ડિયાની મજબૂત પકડ જોવા મળી રહી છે.
