IND vs SA 2nd ODI Cricket Score Highlights: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ આજે રાયપુરમાં રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાએ બીજી વનડેમાં ભારતને ચાર વિકેટથી હરાવ્યું. બુધવારે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા, ભારતે વિરાટ કોહલી અને રુતુરાજ ગાયકવાડની સદીઓની મદદથી 50 ઓવરમાં પાંચ વિકેટે 358 રન બનાવ્યા. જવાબમાં, દક્ષિણ આફ્રિકાએ એડન માર્કરામની સદી અને મેથ્યુ બ્રિટ્ઝકે અને ડેવાલ્ડ બ્રેવિસની અડધી સદીની મદદથી 49.2 ઓવરમાં છ વિકેટે 362 રન બનાવીને જીત મેળવી.
આ જીત સાથે દક્ષિણ આફ્રિકા ભારત સાથે ત્રણ મેચની વનડે શ્રેણી 1-1 થી બરોબર કરી લીધી છે. બંને ટીમો હવે 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં અંતિમ અને નિર્ણાયક મેચમાં એકબીજાનો સામનો કરશે.
બીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 358 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકાને 359 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
આ પણ વાંચો
ભારતીય ટીમ તરફથી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ બેટિંગ કરવા આવ્યા. બંનેએ મજબૂત શરૂઆત કરી, પરંતુ રોહિતે પાંચમી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી. તે સતત ત્રણ ચોગ્ગા ફટકારીને આઉટ થયો. નાંદ્રેએ તેને 14 રન બનાવીને આઉટ કર્યો. યશસ્વી પણ 22 રન બનાવીને આઉટ થયો.
આ દરમિયાન, વિરાટ કોહલીએ છગ્ગા મારીને પોતાનું ખાતું ખોલ્યું અને રૂતુરાજ ગાયકવાડ સાથે મળીને ત્રીજી વિકેટ માટે 195 રનની ભાગીદારી નોંધાવી. ગાયકવાડે માત્ર 77 બોલમાં પોતાની સદી પૂરી કરી, જે તેની પ્રથમ ODI સદી હતી. આ દરમિયાન 38મી ઓવરમાં, વિરાટે 90 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ તેની બેક ટૂ બેક બીજી સેન્ચુરી હતી અને તેના વનડે કરિયરની 53મી ODI સદી હતી. કિંગ કોહલીને લુંગી એનગિડીએ 102 રન પર આઉટ કર્યો. વોશિંગ્ટન સુંદર માત્ર 1 રન બનાવીને રન આઉટ થયો હતો.
કેપ્ટન કેએલ રાહુલે પણ સતત બે મેચમાં બેક ટૂ બેક અડધી સદી ફટકારી હતી. તેણે 43 બોલમાં અણનમ 66 રન બનાવ્યા હતા, જ્યારે જાડેજા 24 રન બનાવીને અણનમ રહ્યો હતો. બંનેએ 69 રનની ભાગીદારી નોંધાવી હતી. દક્ષિણ આફ્રિકા માટે, લુંગી એનગિડી અને નાન્દ્રે બર્ગરે એક-એક વિકેટ લીધી હતી, જ્યારે માર્કો યાનસેને બે વિકેટ લીધી હતી.
વિરાટ કોહલીએ 53મી ODI સદી ફટકારી
રાંચીમાં સદી બાદ રાયપુરમાં કોહલીએ 90 બોલમાં સદી પૂરી કરી, જે તેની 53મી ODI સદી છે. આ પહેલા ઋતુરાજ ગાયકવાડે પણ પહેલી વનડે સદી ફટકારી હતી.
યશસ્વી જયસ્વાલ 22 રને આઉટ
યશસ્વી જયસ્વાલ ફરી એકવાર મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ ગયો. દસમી ઓવરમાં બોશની બોલ પર તે જાનસેનના હાથે કેચ આઉટ થયો. યશસ્વીએ 38 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ફક્ત 22 રન બનાવ્યા.
રોહિત શર્માએ વિકેટ ગુમાવી
પાછલી મેચમાં અડધી સદી ફટકારનાર રોહિત શર્માએ પોતાની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. તેમણે 8 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 14 રન બનાવ્યા હતા. પાંચમી ઓવરના પાંચમા બોલ પર બર્ગરના બોલ પર વિકેટકીપર ડી કોકે કેચ પકડ્યો. દક્ષિણ આફ્રિકાએ રિવ્યુ લીધો, જે તેમના પક્ષમાં ગયો.
દક્ષિણ આફ્રિકાની ટીમમાં મહત્વના ફેરફારો
દક્ષિણ આફ્રિકાએ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ ફેરફારો કર્યા છે. કેપ્ટન ટેમ્બા બાઉમા, સ્પિનર કેશવ મહારાજ, અને ઝડપી બોલર લુંગી એનગિડી ને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બાઉમા અને મહારાજને રાંચીમાં રમાયેલા પ્રથમ વનડેમાં આરામ આપવામાં આવ્યો હતો. બંનેની વાપસીથી ટીમને મજબૂતી મળશે. પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ એક સમયે 11 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ત્યારબાદ ટીમે શાનદાર વાપસી કરી હતી. બીજી તરફ, ભારતે આ મેચ માટે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ભારતે પ્રથમ વનડેમાં મહેમાન ટીમને 17 રનથી હરાવ્યું હતું. પ્રથમ મેચ જીતવા છતાં ભારતની ચિંતાઓ ઓછી થઈ નથી. ઋતુરાજ ગાયકવાડ, જેમણે લિસ્ટ એ ક્રિકેટમાં સારો દેખાવ કર્યો છે, તેમને ચોથા નંબર પર બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે આ માટે તૈયાર દેખાયો નહોતો. કાર્યકારી કેપ્ટન કેએલ રાહુલ છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા ઉતર્યા હતા. બેટિંગ ક્રમમાં પ્રયોગોને કારણે વોશિંગ્ટન સુંદરને કોલકાતા ટેસ્ટમાં ત્રીજા નંબરે ઉતર્યા પછી પહેલા વનડેમાં પાંચમા નંબર પર મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. બોલિંગમાં પણ તેણે માત્ર ત્રણ જ ઓવર નાંખી હતી અને 18 રન આપ્યા હતા.
ભારતની પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, અને પ્રસિદ્ધ કૃષ્ણા.
