India vs Pakistan cricket match: રવિવારે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનાર ભારત-પાકિસ્તાન મહામુકાબલા પહેલા મેદાનની બહાર રણનીતિઓનું ઘડતર શરૂ થઈ ગયું છે. પાકિસ્તાન પાસે આ વખતે ઉસ્માન તારિક નામનો એક એવો બોલર છે જેની 'સાઇડઆર્મ એક્શન' અને બોલિંગમાં લેતા 'પોઝ' (વિરામ) ચર્ચાનો વિષય બન્યા છે. આ બોલરનો તોડ કાઢવા માટે ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને બેટ્સમેનોને એક અનોખી પણ અસરકારક સલાહ આપી છે.
શું છે ઉસ્માન તારિકની વિશેષતા?
30 વર્ષીય ઉસ્માન તારિક તેની વિચિત્ર બોલિંગ સ્ટાઈલ માટે જાણીતો છે. તે બોલ ફેંકતા પહેલા અચાનક થોભી જાય છે (Pause લે છે), જેના કારણે બેટ્સમેનનો લય બગડી જાય છે. અત્યાર સુધી માત્ર 4 ટી20 મેચમાં તેણે 11 વિકેટ ઝડપી છે અને તેનો ઈકોનોમી રેટ 6 થી પણ ઓછો રહ્યો છે. કોલંબોની ધીમી પિચ પર તે ભારત માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
અશ્વિનની 'માઈન્ડ ગેમ': ક્રીઝ છોડીને બાજુ પર ખસી જાવ!
અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર એક સ્માર્ટ આઈડિયા શેર કરતા કહ્યું કે, જો બેટ્સમેન તારિકની એક્શનમાં કન્ફ્યુઝ થાય, તો તેણે સીધું જ ક્રીઝ પરથી હટી જવું જોઈએ. અશ્વિને વિગતવાર સમજાવ્યું કે, "જો હું બેટિંગ કરી રહ્યો હોત, તો જ્યારે બોલર બોલિંગ ફેંકતા પહેલા થોભે, ત્યારે હું તરત જ બાજુ પર ખસી જાત. હું અમ્પાયરને કહી શકું કે, 'મને લાગ્યું કે બોલર અટકી ગયો છે, તેથી મને ખબર નહોતી કે તે ક્યારે બોલ છોડશે.' જો બેટ્સમેન આ રીતે વારંવાર પ્રતિક્રિયા આપે, તો બોલર પર દબાણ વધશે અને અમ્પાયર માટે પણ સ્થિતિ મુશ્કેલ બની જશે."
અશ્વિને વધુમાં ઉમેર્યું કે મેચ જીતવા માટે નિયમોના દાયરામાં રહીને દરેક શક્ય પ્રયાસ કરવો જોઈએ. જો બેટ્સમેન સાઈડમાં ખસી જાય, તો બોલરે ફરીથી રન-અપ લેવો પડે અથવા તેની લય તૂટી જાય, જે ભારતીય બેટ્સમેનો માટે ફાયદાકારક રહેશે.
વિવાદોમાં ઉસ્માન તારિકની એક્શન
ઉસ્માન તારિકની આ એક્શન પર ક્રિકેટ જગતમાં બે ફાંટા પડી ગયા છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને તેની આ શૈલીને 'ગેરકાયદેસર' ગણાવી છે. જોકે, અશ્વિને અગાઉ તેને ટેકો આપ્યો હતો. પાકિસ્તાન તેને એક 'ટ્રમ્પ કાર્ડ' તરીકે જોઈ રહ્યું છે, પરંતુ અશ્વિનની આ સલાહ જો ભારતીય બેટ્સમેનો અમલમાં મૂકે, તો પાકિસ્તાનની આ યોજના ઊંધી પડી શકે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં માત્ર બેટ અને બોલનું જ નહીં, પણ બુદ્ધિનું પણ યુદ્ધ ખેલાય છે. અશ્વિનનો આ 'પોઝ એન્ડ મૂવ' પ્લાન રવિવારની મેચમાં કેટલો કારગત નીવડે છે તે જોવું રસપ્રદ રહેશે. જો સુર્યકુમાર યાદવની સેના આ ટેક્ટિક અપનાવશે, તો ઉસ્માન તારિકની રહસ્યમયી બોલિંગનો જાદુ ઓસરી શકે છે.
