IND vs NZ: ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે ચોથી T20I માં ટીમ ઈન્ડિયાથી શરમજનક હારના 5 મુખ્ય કારણો

ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા ગ્લેન ફિલિપ્સના તોફાની 107 રન (49 બોલ) અને માઈકલ બ્રેસવેલના 65 રન (25 બોલ) ની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 259 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. 260 રનના વિશાળ લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 172 રન જ બનાવી શકી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 31 Oct 2026 02:34 PM (IST)Updated: Sat, 31 Oct 2026 02:34 PM (IST)
india-vs-new-zealand-4th-t20i-auckland-5-reasons-for-defeat
ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ ચોથી ટી20

Team India Defeat Reasons: ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચોની T20I સિરીઝની ચોથી મેચમાં ભારતીય ટીમને 87 રનની કરારી હારનો સામનો કરવો પડ્યો છે. ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા ગ્લેન ફિલિપ્સના તોફાની 107 રન (49 બોલ) અને માઈકલ બ્રેસવેલના 65 રન (25 બોલ) ની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 259 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. 260 રનના વિશાળ લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 172 રન જ બનાવી શકી હતી.

આ હાઈ-સ્કોરિંગ મેચમાં ટીમ ઈન્ડિયાની પરાજય પાછળ 5 મુખ્ય કારણો જવાબદાર રહ્યા છે:

1. ડેથ ઓવર્સમાં નબળી બોલિંગ અને 85 રન

ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કર્યા બાદ મયંક યાદવે પહેલી ઓવરમાં ટિમ સીફર્ટ (3) અને ત્રીજી ઓવરમાં ડેરિલ મિચેલને (24) આઉટ કરીને ભારતને સારી શરૂઆત અપાવી હતી. પરંતુ ત્યારબાદ ભારતીય બોલરો લય જાળવી શક્યા નહોતા. ખાસ કરીને ડેથ ઓવર્સમાં (આખરી 5 ઓવરોમાં) ભારતીય બોલરોએ 85 રન લૂંટાવી દીધા હતા. નીતિશ કુમાર રેડ્ડીએ 4 ઓવરમાં 64 રન (તેની એક ઓવરમાં 32 રન આવ્યા હતા), અક્ષર પટેલે 3 ઓવરમાં 43 રન અને પ્રિન્સ યાદવે 4 ઓવરમાં 49 રન ખર્ચ્યા હતા.

2. ઇન-ફોર્મ વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11 માંથી બહાર રાખવો

સિરીઝની ત્રીજી T20I મેચમાં 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ માત્ર 19 બોલમાં 45 રન (236.84 નો સ્ટ્રાઈક રેટ) ની આક્રમક ઈનિંગ રમી હતી. આમ છતાં ચોથી T20I માં તેને અચાનક પ્લેઇંગ 11 માંથી બહાર બેસાડી દેવાયો હતો. તેના સ્થાને ઈશાન કિશનને તક આપવામાં આવી હતી, જે શૂન્ય રને આઉટ થઈ જતાં ભારતને મોટો ફટકો પડ્યો હતો.

3. તિલક વર્માના બેટિંગ ઓર્ડરમાં ફેરફાર

સિરીઝમાં સતત ઉપલા ક્રમે શાનદાર પ્રદર્શન કરી રહેલા તિલક વર્માને આ મેચમાં અચાનક નંબર 7 પર બેટિંગમાં ધકેલી દેવાયો હતો. તેના અગાઉ નીતિશ કુમાર રેડ્ડી અને અક્ષર પટેલને પ્રમોટ કરવામાં આવ્યા હતા. આ અણધારી રણનીતિના કારણે તિલક વર્માની લય ખોરવાઈ ગઈ હતી અને 260 રનના ટાર્ગેટ સામે તે 35 બોલમાં માત્ર 35 રન (100 નો સ્ટ્રાઈક રેટ) જ બનાવી શક્યો હતો.

4. ટોપ ઓર્ડરનો ફ્લોપ શો અને ખરાબ શરૂઆત

260 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા માટે ઓપનરો પાસે મજબૂત શરૂઆતની આશા હતી. પરંતુ ઓપનર સંજુ સેમસન 4 રને અને ઈશાન કિશન 0 રને પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયા હતા. ભારતે માત્ર 4 રનમાં 2 વિકેટ અને 50 રનમાં 3 વિકેટ ગુમાવી દેતાં ટીમ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી.

5. ઈનિંગ્સની શરૂઆત મળ્યા બાદ તેને મોટા સ્કોરમાં ન બદલી શકવું

શરૂઆતી ઝટકા બાદ અભિષેક શર્માએ 15 બોલમાં 27 રન અને કેપ્ટન શ્રેયસ અય્યરે 11 બોલમાં 22 રન બનાવીને રન રેટ જાળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંને બેટ્સમેનો સારી શરૂઆત મળ્યા બાદ તેને મોટી ઈનિંગ્સમાં બદલવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે મધ્યમ ક્રમ પર દબાણ વધી ગયું હતું.