IND vs NZ 4th ODI Defeat: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ODI મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 244 રનના વિશાળ અંતરથી પરાજય આપીને ભવ્ય જીત નોંધાવી છે. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય ભારતીય ટીમ માટે અત્યંત ભારે સાબિત થયો હતો. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા વિલ યંગની શાનદાર સદીની મદદથી 50 ઓવરમાં 333 રન બનાવ્યા હતા. 334 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ કડડભૂસ થઈ ગઈ હતી અને સમગ્ર ટીમ 26.4 ઓવરમાં માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેન્રીએ ઘાતક બોલિંગ કરતા માત્ર 27 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમની આ શરમનાક હાર બાદ બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ એમ ત્રણેય મોરચે નબળી દેખાઈ હતી. આવો તેની હારના પાંચ કારણો જાણીએ.
ન્યૂઝીલેન્ડ સામે ભારતની શરમનાક હારના 5 મુખ્ય કારણો:
1. ભારતીય બોલરોની બિનઅસરકારક બોલિંગ
પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય બોલરો કિવી બેટ્સમેનો પર અંકુશ રાખવામાં નિષ્ફળ રહ્યા હતા અને 333 રન લૂંટાવ્યા હતા.
મુખ્ય સ્પિનર કુલદીપ યાદવ અત્યંત મોંઘા સાબિત થયા હતા. તેમણે 8 ઓવરમાં 9.10 ની ઈકોનોમીથી 73 રન આપ્યા હતા અને એક પણ વિકેટ મેળવી શક્યા નહોતા.
ગુરનૂર બ્રારે 10 ઓવરમાં 69 રન આપીને 2 વિકેટ લીધી હતી. માત્ર અક્ષર પટેલ (10 ઓવરમાં 39 રન, 2 વિકેટ) સિવાયના અન્ય બોલરો રન રેટ પર લગામ લગાવી શક્યા નહોતા.
2. વિલ યંગની શાનદાર સદી અને ન્યુઝીલેન્ડની મજબૂત ભાગીદારીઓ
ન્યુઝીલેન્ડની જીતનો પાયો તેના ઓપનર બેટ્સમેન વિલ યંગે નાખ્યો હતો.
વિલ યંગે 108 બોલમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 125 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.
તેણે ટિમ સીફર્ટ (58 રન) સાથે પ્રથમ વિકેટ માટે 85 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. ત્યારબાદ ફિન એલેન (41 રન) સાથે ચોથી વિકેટ માટે 90 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ન્યુઝીલેન્ડને વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું હતું.
3. પાવરપ્લેમાં નબળો કંટ્રોલ, એક્સ્ટ્રા રન અને ફિલ્ડિંગમાં શિસ્તનો અભાવ
ન્યુઝીલેન્ડની ઇનિંગ્સ દરમિયાન ભારતીય ફિલ્ડિંગ અને બોલિંગમાં શિસ્તનો અભાવ જોવા મળ્યો હતો.
ન્યુઝીલેન્ડે પ્રથમ 10 ઓવરના પાવરપ્લેમાં વિના વિકેટે 72 રન ફટકારીને આક્રમક શરૂઆત કરી હતી, જેના પર ભારતીય બોલરો કોઈ અંકુશ મેળવી શક્યા નહોતા.
ભારતીય બોલરોએ 14 એક્સ્ટ્રા રન આપ્યા હતા. ફિલ્ડિંગમાં પણ રન રોકવા અને કિવી બેટ્સમેનો પર દબાણ બનાવવાની તકો ટીમ ઈન્ડિયાએ ગુમાવી દીધી હતી.
4. ટોપ ઓર્ડરનું શરમજનક પ્રદર્શન
બેટિંગમાં ભારતની હારનું સૌથી મોટું કારણ ટોપ ઓર્ડરની સંપૂર્ણ નિષ્ફળતા રહી હતી. 334 રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાએ એક પણ રન બોર્ડ પર નોંધાયા વિના પોતાની પ્રથમ 3 વિકેટ ગુમાવી દીધી હતી.
રોહિત શર્મા 0 (1 બોલ), વિરાટ કોહલી 0 (4 બોલ) અને શ્રેયસ અય્યર 0 (1 બોલ) ખાતું ખોલાવ્યા વિના જ ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયા હતા.
1ઓવરમાં ભારતનો સ્કોર 0-3 થઈ ગયો હતો અને 5.3 ઓવરમાં રુતુરાજ ગાયકવાડ (5 રન) આઉટ થતાં સ્કોર 9-4 થઈ ગયો હતો. આ પ્રારંભિક ઝટકામાંથી ટીમ ક્યારેય બહાર આવી શકી નહીં.
5. મેટ હેન્રી અને મેથ્યુ ફિશરની ઘાતક અને કંટ્રોલ્ડ બોલિંગ
ન્યુઝીલેન્ડના ઝડપી બોલરોએ મેચની શરૂઆતથી જ ભારતીય બેટ્સમેનો પર દબાણ જાળવી રાખ્યું હતું.
ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેન્રીએ સ્વિંગ અને સીમ બોલિંગનો ઉત્કૃષ્ટ નમૂનો પેશ કરતા 9.4 ઓવરમાં 2 મેડન સાથે માત્ર 27 રન આપીને 6 મહત્વપૂર્ણ વિકેટો લીધી હતી.
તેના સાથી બોલર મેથ્યુ ફિશરે પણ 7 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ ઝડપી હતી અને ભારતીય લોઅર ઓર્ડરને પણ ટકવા દીધો નહોતો.
ભારતના લોએસ્ટ સ્ટોર
| લોએસ્ટ સ્કોર | કોની સામે | વર્ષ |
| 54 | શ્રીલંકા | 2000 |
| 63 | ઓસ્ટ્રેલિયા | 1981 |
| 78 | શ્રીલંકા | 1986 |
| 79 | પાકિસ્તાન | 1978 |
| 89 | ન્યૂઝીલેન્ડ | 2026 |
| 91 | દક્ષિણ આફ્રિકા | 2006 |
| 92 | ન્યૂઝીલેન્ડ | 2019 |
| 100 | ઓસ્ટ્રેલિયા | 2000 |
| 100 | વેસ્ટ ઈન્ડિઝ | 1993 |
વન-ડે ઇતિહાસની બીજી સૌથી મોટી શરમજનક હાર
ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વન-ડે મેચમાં 334 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 89 રનમાં જ સમેટાઈ ગઈ હતી, જેના કારણે ભારતને 244 રનના મસમોટા અંતરથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ ભારતની આ બીજી સૌથી મોટી હાર છે; આ અગાઉ વર્ષ 2000માં શારજાહ ખાતે શ્રીલંકાએ ભારતને 245 રનથી હરાવ્યું હતું.
