Hardik Pandya-Gerhard Erasmus Viral Video: T20 વર્લ્ડ કપ 2026 ની 18મી મેચમાં ભારતે નામિબિયા સામે 93 રનથી શાનદાર વિજય મેળવીને ગ્રુપ A માં ટોચનું સ્થાન મેળવ્યું છે. જોકે, આ મેચ તેની રમત કરતા એક અત્યંત રમુજી ઘટનાને કારણે વધુ ચર્ચામાં રહી છે. મેચ દરમિયાન નામિબિયાના કેપ્ટન ગેરાર્ડ ઇરાસ્મસે હાર્દિક પંડ્યાને પોતાની પીઠ પર બેસાડીને પુશ-અપ્સ કરવાનું શરૂ કરતા સ્ટેડિયમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
આ આશ્ચર્યજનક ઘટના ભારતીય ઇનિંગની 12મી ઓવરમાં બની હતી. ગેરાર્ડ ઇરાસ્મસે ઓવરના પાંચમા બોલ પર તિલક વર્માને આઉટ કર્યો હતો. ત્યારબાદ શિવમ દુબે ક્રિઝ પર આવ્યો. ઓવરના અંતિમ બોલ પર દુબેએ ડાબી બાજુએ શોર્ટ રમ્યો, જેને રોકવા માટે ઇરાસ્મસે ડાઇવ લગાવી. આ દરમિયાન નોન-સ્ટ્રાઇકર એન્ડ પર ઉભેલો હાર્દિક પંડ્યા રન લેવા માટે દોડ્યો હતો અને ઇરાસ્મસ સાથે અથડાયો હતો.
A gentle reminder from Gerhard Erasmus: Don’t skip gym session 😂
— Star Sports (@StarSportsIndia) February 12, 2026
ICC Men’s #T20WorldCup | #INDvNAM | LIVE NOW 👉 https://t.co/aLGrwgVX5o pic.twitter.com/UlWn25mJsC
અથડામણને કારણે હાર્દિક સીધો ઇરાસ્મસની પીઠ પર પડ્યો હતો. આ તકનો લાભ ઉઠાવી ઇરાસ્મસે રમૂજમાં હાર્દિકને પીઠ પર રાખીને જ પુશ-અપ્સ કરવાનું શરૂ કરી દીધું. જોકે, હાર્દિકે તરત જ તેને હળવો ધક્કો મારી દૂર કર્યો હતો અને બંને ખેલાડીઓ ખેલદિલી પૂર્વક હસતા જોવા મળ્યા હતા. આ રમુજી ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
હાર્દિક પંડ્યાની તોફાની અડધી સદી
આ રમુજી ઘટના સિવાય હાર્દિકે બેટિંગમાં પણ કમાલ કરી હતી. તેણે માત્ર 28 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 52 રનની આક્રમક ઇનિંગ રમી હતી. બીજી તરફ, નામિબિયાના કેપ્ટન ઇરાસ્મસે પણ શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
ભારતના ટી20 વર્લ્ડ કપ ઈતિહાસની સૌથી મોટી જીત
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરનાર ભારતે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 209 રનનો જંગી સ્કોર ઉભો કર્યો. હાર્દિક પંડ્યાની સાથે ઇશાન કિશને માત્ર 24 બોલમાં 61 રનની તોફાની ઇનિંગ રમી, જેમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા.
લક્ષ્યાંકનો પીછો કરતા નામિબિયાની ટીમ 18.2 ઓવરમાં 116 રનમાં સમેટાઈ ગઈ. વરુણ ચક્રવર્તીએ 3 વિકેટ ઝૂકી, જ્યારે અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ મેળવી. ઉપરાંત અર્શદીપ સિંહ, શિવમ દુબે અને જસપ્રીત બુમરાહને એક-એક સફળતા મળી. આ રીતે ભારતે તેના ટી20 વર્લ્ડ કપ ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી છે.
