IND vs ENG: 'ઓલરાઉન્ડર'ની રણનીતિ કામે ન લાગી, જાણો વિરાટ અને શાસ્ત્રીથી કઈ રીતે અલગ છે ગંભીર અને ગિલની ટેસ્ટ ટ્રિક

રોહિત શર્મા અને રાહુલ દ્રવિડના નેતૃત્વ હેઠળ ટીમે બેટિંગમાં વધુ ધ્યાન આપવાના નામે ઓલરાઉન્ડરોને પ્રાથમિકતા આપવાનું શરૂ કર્યું, પરંતુ પરિણામો એટલા સારા ન રહ્યા.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 17 Jul 2025 02:39 PM (IST)Updated: Thu, 17 Jul 2025 02:39 PM (IST)
india-vs-england-test-series-shubman-gill-gautam-gambhir-ravi-shastri-virat-kohli-ind-vs-eng

India vs England: ટેસ્ટ ક્રિકેટમાં જીતનો મંત્ર હંમેશા એ રહ્યો છે કે વિરુદ્ધ ટીમની 20 વિકેટ લેવાનો. વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની આગેવાની હેઠળની ભારતીય ટીમ આ સિદ્ધાંતના આધારે વિશ્વની નંબર વન ટેસ્ટ ટીમ બની. તેમનો સ્પષ્ટ મંત્ર હતો કે 6 વિશેષ બેટ્સમેનોની સાથે 5 મુખ્ય બોલરો સાથે પણ રમવાનો હતો. આ રણનીતિ ભારતને વિદેશમાં ઐતિહાસિક જીત અપાવવામાં સફળ રહી, પરંતુ સમય બદલાયો, નેતૃત્વ બદલાયું અને રણનીતિ પણ બદલાઈ ગઈ.

ક્યારથી બદલાઈ ટેસ્ટ રણનીતિ

રોહિત શર્મા અને રાહુલ દ્રવિડના નેતૃત્વ હેઠળ ટીમે બેટિંગમાં વધુ ધ્યાન આપવાના નામે ઓલરાઉન્ડરોને પ્રાથમિકતા આપવાનું શરૂ કર્યું. હવે ગૌતમ ગંભીર કોચ બન્યા અને શુભમન ગિલ કેપ્ટન બન્યા પછી પણ એ જ રણનીતિ યથાવત છે, પરંતુ તેની વિપરીત અસર ભારતીય ટીમના પ્રદર્શન પર જોવા મળી રહી છે. ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે 0-3થી શરમજનક હાર, પછી ઓસ્ટ્રેલિયા સામે 1-3થી હાર અને હવે ઇંગ્લેન્ડમાં 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી પાછળ છે.

ત્રણેય સીરિઝમાં ભારતે 'હેવી ઓલરાઉન્ડર' સાથે ફિલ્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરિણામો એટલા સારા ન રહ્યા. લીડ્સમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમે ઓલરાઉન્ડર તરીકે શાર્દુલ ઠાકુર અને રવિન્દ્ર જાડેજા પર ભરોસો મુક્યો, પરંતુ શાર્દુલને ફક્ત 16 ઓવર બોલિંગ કરાવવામાં આવી અને તે બેટિંગમાં પણ નિષ્ફળ ગયો હતો.

ઓલરાઉન્ડરોને પ્રાથમિકતા હારનું કારણ!

આગામી મેચમાં શાર્દુલને પડતો મૂકવામાં આવ્યો અને તેની જગ્યાએ નીતિશ રેડ્ડીને લાવવામાં આવ્યો, જેની પાસે હેડિંગ્લેની પહેલી ઇનિંગમાં ફક્ત 6 ઓવર બોલિંગ કરાવવામાં આવી હતી અને બીજી ઇનિંગમાં તેને બોલ આપવામાં આવ્યો ન હતો. એટલું જ નહિ બેટિંગમાં પણ 2 રન જ બનાવ્યા. આ મેચમાં સાઈ સુદર્શનને પડતો મૂકવામાં આવ્યો અને બીજા ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પણ સ્થાન આપવામાં આવ્યું, પરંતુ સુંદરે કુલ 54 રન બનાવ્યા અને 20 ઓવરમાં ફક્ત એક જ વિકેટ લીધી.

લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ મેનેજમેન્ટે આ 3 ઓલરાઉન્ડરોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સુંદરે બીજી ઇનિંગમાં ચાર વિકેટ લીધી હતી પરંતુ બેટથી યોગદાન ખાસ ન રહ્યું. રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો તેણે બે અડધી સદી ફટકારી હતી, પરંતુ તેમની બોલિંગ એટલી પ્રભાવક ન રહી.

ભારતને હવે નવી રણનીતિની જરુર

આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે કોઈ જ સ્પષ્ટ રણનીતિ વિના જ ટીમ ઓલરાઉન્ડરોને પ્રાથમિકતા આપી રહી છે, જેમનું યોગદાન બંને વિભાગોમાં સરેરાશથી ઓછું રહ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં બેટ્સમેન કરતાં વધુ મેચ બોલરો જીતાડે છે. વિરાટ-શાસ્ત્રી યુગની સફળતા આ હકીકત અને નિવેદન પર આધારિત હતી.

ઓલરાઉન્ડરો ટીમને લવચીકતા આપી શકે છે, પરંતુ જ્યારે તેઓ કોઈપણ એક વિભાગમાં પ્રભાવ પાડવામાં નિષ્ફળ જાય છે, ત્યારે ટીમનું બેલેન્સ બગડે છે. જો ભારતે લોર્ડ્સમાં છ વિશેષ બેટ્સમેન અને પાંચ નિયમિત બોલરોને મેદાનમાં ઉતારવાની હિંમત બતાવી હોત તો તેઓ પ્રથમ ઇનિંગમાં લીડ મેળવી શક્યા હોત અને ઇંગ્લેન્ડ બીજા ઇનિંગમાં 193 રનને બદલે 120 રન સુધી સીમિત રહી હોત.