'ભગવાન પર ભરોસો હતો': 8 વિકેટ પડ્યા બાદ હારેલી બાજી મોહિતે કેવી રીતે પલટી, મેચ બાદ કર્યો ખુલાસો

મોહિત ઉલ્વાની શાનદાર ઈનિંગથી ફાઈનલ મેચ જીતીને ભારત નવમી વખત અન્ડર-19 એશિયા કપ ચેમ્પિયન બન્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 14 Nov 2026 09:55 PM (IST)Updated: Sat, 14 Nov 2026 09:55 PM (IST)
india-u19-asia-cup-final-match-mohit-ulwa-match-winning-innings-explain

Under-19 Asia Cup Final: અન્ડર-19 એશિયા કપની ફાઈનલ મેચમાં પાકિસ્તાને ભારતને જીતવા માટે 338 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. રન ચેઝ કરતા ભારતીય ટીમ એક સમયે ગંભીર મુશ્કેલીમાં ફસાઈ ગઈ અને 8 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, મોહિત ઉલ્વાએ યાદગાર બેટિંગ કરીને અંત સુધી ક્રીઝ પર ટકી રહીને હારેલી બાજી જીતમાં ફેરવી દીધી હતી. આ વિજય સાથે ભારતે નવમી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે.

26 બોલમાં અણનમ 49 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ

મોહિત ઉલ્વાએ અદ્ભુત બેટિંગ કરતા માત્ર 26 બોલમાં અણનમ 49 રનની તોફાની ઈનિંગ રમી હતી. નવમી વિકેટ માટે મોહિતે મનલ ચૌહાણ સાથે 57 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. ત્યારબાદ અંતિમ વિકેટ માટે ચિગુરુપતિ વેંકટા સાથે અણનમ 30 રનની વિજયી ભાગીદારી નોંધાવીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. મેચ બાદ મોહિતે ખુલાસો કર્યો કે તેને ભગવાન પર પૂરો ભરોસો હતો અને વારંવાર ખુદને કહેતો રહ્યો કે મેચ જીતાડી દેશે.

ઓછા મોકા મળ્યા છતાં આત્મવિશ્વાસ ડગ્યો નહીં

રન ચેઝ દરમિયાન મગજમાં શું ચાલી રહ્યું હતું તે અંગે વાત કરતા મોહિતે જણાવ્યું કે, આ મેચ પહેલા સુધી તેનો એશિયા કપ ખાસ રહ્યો ન હતો. તે જાણતો હતો કે તે મુખ્યત્વે બોલર છે, પરંતુ તેને પોતાની જાત પર વિશ્વાસ હતો કે તે એક ઓલરાઉન્ડર પણ છે. ખુદને સાબિત કરવા વધારે તક ન મળી છતાં તેને મેચ જીતાડવાનો પૂરો વિશ્વાસ હતો. ક્રીઝ પર મનલના સાથની જરૂર હતી, જેણે મેદાન પર આવીને સરસ મોમેન્ટમ બનાવ્યું અને મેચ સેટ કરી આપી.

વિજયી રન, છેલ્લી બાઉન્ડ્રી અને વેંકટાનો સપોર્ટ

વિજયી રન ફટકારવા અંગે મોહિતે કહ્યું કે તે બસ એક ચોક્કસ બોલની રાહ જોઈ રહ્યો હતો અને જાણતો હતો કે બાઉન્ડ્રી મારીને મેચ ખતમ કરી શકશે. સતત ખુદ પર વિશ્વાસ રાખ્યો કે આજનો દિવસ તેનો જ છે અને તે જ મેચ ખતમ કરશે. આ ઉપરાંત અંતિમ વિકેટના પાર્ટનર વેંકટા વિશે વાત કરતા મોહિતે કહ્યું કે વેંકટાએ તેનો આત્મવિશ્વાસ સતત વધાર્યો હતો અને તેને છેલ્લા બોલ સુધી ટકી રહીને મેચ પૂરી કરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.