IND U19 vs PAK U19 Final: ક્રિકેટ જગતમાં જ્યારે પણ ભારત અને પાકિસ્તાન સામસામે આવે છે, ત્યારે ભારે રોમાંચ જોવા મળે છે. હવે ફરી એકવાર આવો જ હાઈ-વોલ્ટેજ મુકાબલો જોવા મળશે. ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2026ની ફાઈનલ ટિકિટ બંને કટ્ટર હરીફોએ કન્ફર્મ કરી લીધી છે. ગુરુવારે રમાયેલી સેમિફાઈનલમાં ભારતીય યુવા બ્રિગેડે અફઘાનિસ્તાન સામે 8 વિકેટે એકતરફી જીત મેળવીને ખિતાબી જંગમાં એન્ટ્રી મારી છે, જ્યારે બીજી તરફ પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને અંતિમ-2માં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે.
જૂની હારનો હિસાબ ચૂકતે કરવાનો સમય
ટીમ ઈન્ડિયા માટે આ ફાઈનલ માત્ર ટ્રોફી જીતવાની તક નથી, પરંતુ જૂના ઘા પર મલમ લગાવવાનો અવસર પણ છે. આ જ ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાને ભારતને પરાજય આપ્યો હતો. એટલું જ નહીં, ગત વર્ષે રમાયેલા એશિયા કપની ફાઈનલમાં પણ પાકિસ્તાને જ ભારતનું ચેમ્પિયન બનવાનું સપનું તોડ્યું હતું. હવે કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીની આગેવાની હેઠળની ભારતીય ટીમ જૂની તમામ કડવી યાદોને ભૂલીને એકસાથે બે હારનો બદલો લેવાના મક્કમ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
આર્યવીર સહેવાગ પર રહેશે કરોડો ચાહકોની નજર
આ સમગ્ર ટૂર્નામેન્ટમાં ભારતની બેટિંગ લાઈનઅપની સૌથી મોટી તાકાત આર્યવીર સહેવાગ રહ્યો છે. પૂર્વ દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીરે અત્યાર સુધી રમાયેલી ચાર મેચોમાં જબરદસ્ત ફોર્મ બતાવતા 303 રન ઝૂડી કાઢ્યા છે, જેમાં એક શાનદાર સદી અને બે અડધી સદી સામેલ છે.
જોકે, એક રસપ્રદ વાત એ છે કે આ ટૂર્નામેન્ટમાં આર્યવીર માત્ર પાકિસ્તાન સામેની મેચમાં જ મોટી ઈનિંગ રમવામાં ચૂકી ગયો હતો. ફાઈનલ જેવા મોટા મંચ પર આર્યવીર પાસે પોતાની એ કસર પૂરી કરવાની અને ટીમને ચેમ્પિયન બનાવવાની સુવર્ણ તક છે.
ક્યારે અને ક્યાં રમાશે આ મહામુકાબલો?
ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપનો ખિતાબી જંગ શનિવાર, 14 નવેમ્બરના રોજ રમાશે. આ હાઈ-પ્રોફાઈલ મેચ ઓમાનના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજિત કરવામાં આવી છે. ભારતીય સમય મુજબ મેચનો ટોસ સવારે 10:00 વાગ્યે ઉછાળવામાં આવશે અને બરાબર 10:30 વાગ્યે મુકાબલાની પ્રથમ બોલ ફેંકવામાં આવશે.
ટીવી અને મોબાઈલ પર ક્યાં જોઈ શકાશે લાઈવ?
જો તમે ઘરે બેઠા આ રોમાંચક ફાઈનલનો આનંદ માણવા માંગતા હોવ, તો ટેલિવિઝન પર સોની સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર આ મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત, જો તમે મોબાઈલ કે લેપટોપ પર ઓનલાઈન મેચ જોવા માંગતા હોવ, તો સોની લિવ એપ અને વેબસાઈટ પર પણ આ મહામુકાબલાનું લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે.
