IND W vs PAK W: મહિલા ટી-20 વિશ્વ કપના રોમાંચક મુકાબલામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને એકતરફી મુકાબલામાં 64 રનથી પરાજય આપી ટુર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી છે. સ્મૃતિ મંધાનાની આક્રમક અર્ધશતકીય ઇનિંગ્સ અને ત્યારબાદ દીપ્તિ શર્માની ઘાતક બોલિંગ સામે પાકિસ્તાની ટીમ પાણીમાં બેસી ગઈ હતી.
મંધાના-રિચાની આક્રમકતા અને ભારતનો મજબૂત સ્કોર
આ પણ વાંચો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત આંચકાજનક રહી હતી. શેફાલી વર્મા પ્રથમ ઓવરમાં જ સિક્સર ફટકારી આઉટ થઈ ગઈ હતી, જ્યારે જેમિમા રોડ્રિગ્ઝ પણ માત્ર 1 રન બનાવી પેવેલિયન પરત ફરી હતી. માત્ર 18 રનમાં બે વિકેટ ગુમાવીને દબાણમાં આવેલી ભારતીય ટીમને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રીત કૌરે સંભાળી લીધી હતી.
મંધાનાએ 44 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેને પાકિસ્તાની ફિલ્ડરો તરફથી બે જીવનદાન પણ મળ્યા હતા. અંતિમ ઓવરોમાં વિકેટકીપર રિચા ઘોષે તોફાની બેટિંગ કરતા માત્ર 17 બોલમાં 34 રન ફટકાર્યા હતા. ખાસ કરીને 19મી ઓવરમાં તાસ્મિયા રુબાબ સામે 23 રન ફટકારીને તેણે ભારતને 170 રનના મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું હતું.
દીપ્તિ શર્માનો જાદુ: પાકિસ્તાનની કમર તોડી
171 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની ઓપનિંગ જોડીએ સારી શરૂઆત કરી હતી, પરંતુ દીપ્તિ શર્માએ મેચનું પાસું પલટી નાખ્યું હતું. દીપ્તિએ એકતરફી બોલિંગ કરતા 5 મહત્વની વિકેટ ઝડપી હતી. મુનીબા અલી (41) જ્યારે અર્ધશતક તરફ આગળ વધી રહી હતી ત્યારે દીપ્તિએ તેને શાનદાર થ્રો દ્વારા રનઆઉટ કરી ભારતને મોટી સફળતા અપાવી હતી. પાકિસ્તાની ટીમ માત્ર 106 રનમાં સમેટાઈ ગઈ હતી.
🚨 HISTORY WRITTEN BY DEEPTI SHARMA. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 14, 2026
- Deepti now has most wickets in the WT20is. 🤯 pic.twitter.com/oknLF8JHM9
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દીપ્તિનો રેકોર્ડ
આ મેચમાં શાનદાર પ્રદર્શન સાથે દીપ્તિ શર્મા હવે વિમેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં બીજા ક્રમે પહોંચી ગઈ છે.
ઝૂલન ગોસ્વામી: 355 વિકેટ
દીપ્તિ શર્મા: 351* વિકેટ
હાથ ન મિલાવવાની નીતિ પર ભારત મક્કમ
આ મેચમાં રમત સિવાય જે બાબત ચર્ચામાં રહી તે હતી બંને ટીમોની કેપ્ટન વચ્ચેની હસ્તધૂનન (Handshake) ની સ્થિતિ. ટોસ વખતે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવ્યા નહોતા. અગાઉના અનેક મુકાબલાઓની જેમ જ ભારત પોતાની આ નીતિ પર મક્કમ જોવા મળ્યું હતું. આ અંગેના પ્રશ્નના જવાબમાં હરમનપ્રીતે સ્પષ્ટ કર્યું હતું કે- અમે અહીં ફક્ત ક્રિકેટ રમવા આવ્યા છીએ અને અમારું ધ્યાન માત્ર મેદાન પરના પ્રદર્શન પર જ છે.
